ખંભાતમાં 11 કિ.મી.ના દરિયાઇ પટ્ટામાં દરિયાઇ ઉત્તરાયણ મનાવાઇ
- રાજ્યભરમાંથી પતંગ રસિકો ઉમટી પડયા
- એક લાખથી વધુ લોકો ઉમટયા, મોડી સાંજે પતંગો દરિયામાં પધરાવી દેવાની પરંપરા
ખંભાતનાં દરિયાકિનારે દરિયાઈ ઉત્તરાયણની મજા માણવા રવિવાર સવારથી જ રાજ્યના વિવિધ શહેરોમાંથી પતંગરસિકો ઉમટી પડયા હતા. રાધારી દરિયાઈ અગરોથી લઇ ડંકા સુધી ઠેર ઠેર પતંગ રસિકોએ મન મૂકી દરિયાઈ ઉત્તરાયણની મજા માણી હતી. ખંભાતનાં દરિયાઈ કાંઠે વાહન, દુકાનો, પતંગરસિકો નજરે પડતા હતા. જો કે બંદર વિસ્તારમાં કાંપની વ્યાપક માત્રાને કારણે પુરાણ થતા દરિયો દૂર ચાલ્યો ગયો છે. જેથી આ વિસ્તારમાં ખાડી મેદાન બનતા સ્થાનિક તંત્ર દ્વારા સફાઈ કરીને પતંગરસિયાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુમાં ખંભાતમાં ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ એમ ત્રણ ઉતરાયણ ઉજવાય છે. જેમાં દરિયાઈ ઉત્તરાયણ એ ખંભાતની વિશેષતા છે.
પહેલાના સમયમાં પતંગ ઉત્પાદકો દરિયાઈ ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હતા. બાદમાં અન્ય લોકો ઉજવણીમાં જોડાતા આ ઉત્સવ બની ગયો છે. ખંભાત ખાતે ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે દરિયાઈ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. મોડી સાંજ સુધી ચાલતા પર્વમાં અંતે દરિયાલાલને પતંગ પધરાવી દેવામાં આવે છે.ખંભાત ખાડી વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની વિદાય બાદ આવતાં પ્રથમ રવિવારે મનાવતાં દરિયાઈ પતંગોત્સવમાં અંદાજે ૧ લાખથી વધારે લોકો એકત્રિત થયા હતા અને પક્ષી, ચાંદા મામા, ટંકવું, કનકવા જેવી વિવિધ પતંગો સાથે બોલીવુડની અભિનેત્રીઓનાં ફોટોગ્રાફસ ધરાવતી પતંગો ઉડાડી હતી. ૧૨૦૦ એકરથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલાં ખંભાતનાં દરિયાઈ ખાડી મેદાનમાં રવિવારે બપોર સુધીમાં જિલ્લાભરમાંથી વાહનો લઈ ચરોતરવાસીઓ દરિયાઈ ઉત્તરાયણ મનાવવા ઉમટી પડયા હતા અનેે પતંગની મજા માણવા સાથે ખાણીપીણીની પણ મજા માણી હતી. મનોરંજનના સાધનો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. એથી બાળકોની મોજમાં પણ વૃધ્ધિ થવા પામી હતી. મોડી સાંજ સુધી રસિકોએ પતંગ ચગાવવાનો આનંદ લુંટયો હતો.
દરિયાકાંઠે મહાકાય પતંગોએ આકર્ષણ જમાવ્યું
દરિયાઈ ઉત્તરાયણમાં ખંભાતીઓ પતંગ ચગાવવામાં પણ નિયમોને માને છે. અબાલ વૃદ્ધ સહુ પતંગની મજા માણતા હોઈ અહીં ખેંચીને પતંગ કાપવા ઉપર સ્વૈૈચ્છિક પ્રતિબંધ છે. દરિયાકાંઠે મહાકાય પતંગો દૂર-દૂર સુધી ગગનમાં વિહરતા દ્રષ્ટિગોચર થતા હતા. જો કે પતંગના પેચમાં ઢીલ મૂકીને જ કાપવાની હોઈ પતંગરસિયાઓ હજારો મીટર દોરી રંગાવે છે. સાથે સાથે દરિયાકાંઠે કપાઈ જતી પતંગો દરિયાદેવને શરણે થઈ જાય છે. મોડી રાત્રે જેમની પાસે પતંગ બચે છે તે દોરી સાથે છોડી દેવામાં આવે છે.