ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી : પતંગમેળામાં લોકો ઉમટયા
- ખંભાતનો દરિયા કિનારો રંગબેરંગી પતંગોથી છવાયો
- હજારો પતંગ ઉત્પાદકો ઉમટયા : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પેટલાદ, નડિયાદના પતંગરસિયાઓએ પતંગ ઉડાડવાની મોજ માણી
ખંભાતમાં ત્રણ ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી કરાય છે. દરિયાઈ ઉત્તરાયણ એ ખંભાતની વિશિષ્ટતા છે. પહેલાના સમયમાં પતંગ ઉત્પાદકો દરિયાઈ ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હતા. બાદમાં સામાન્ય નાગરિકો આ ઉજવણીમાં જોડાતા ઉત્સવ બની ગયો છે. ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે દરિયાઈ ઉત્તરાયણ ઊજવવામાં આવે છે. રાત્રિ સુધી ચાલતા પર્વના અંતે દરિયાલાલને પતંગ પધરાવી દેવામાં આવે છે. રવિવારે દરિયાઈ ઉત્તરાયણને લઈ ખંભાતના દરિયા કિનારે સવારથી જ પતંગરસિયાઓ એકત્ર થવા લાગ્યા હતા. રાધારી દરિયાઈ અગરોથી લઈ ડંકા સુધી ઠેર-ઠેર પતંગરસિયાઓ દરિયાઈ ઉત્તરાયણની મજા માણતા નજરે પડયા હતા. રાજ્યભરના પતંગ ઉત્પાદકો મોટી સંખ્યામાં મહાકાય પતંગો લઈને આવ્યા હતા. એક લાખ કરતાં વધુ પતંગ ઉત્પાદકો દરિયે ઊમટયા હોવાથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જવા પામ્યું હતું. ૧૨૦૦ એકરથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલા ખંભાતના દરિયાઈ ખાડી મેદાનમાં દરિયાઈ ઉત્તરાયણને લઈ રવિવારે બપોર સુધીમાં તાલુકા તેમજ જિલ્લાભરમાંથી વાહનો લઈ ચરોતરવાસીઓ ઊમટી પડયા હતા.
ઢીલ છોડીને જ પેચ લગાવવાનો વણલખ્યો નિયમ
ખંભાતીઓ પતંગ ચગાવવામાં પણ નિશ્ચિત નિયમોને માને છે. આ સ્થળે આબાલવૃદ્ધ પતંગ ચગાવવાની મજા માણતા હોવાથી ખેંચીને પતંગ કાપવા ઉપર સ્વૈચ્છિક પ્રતિબંધ છે. પેચ દરમ્યાન પતંગ ઢીલ મૂકીને જ કાપવાની હોવાથી પતંગરસિયાઓ હજારો મીટર દોરી રંગાવે છે. દરિયાકાંઠે કપાઈ જતા પતંગો દરિયાદેવને શરણે થઈ જાય છે. મોડી રાત્રે જેમની પાસે પતંગ બચે તે તેને દોરી સાથે છોડી દેતા હોય છે.
મ્યુઝિક, ડાન્સ અને ખાણીપીણી સાથે પતંગ ઉડાડવાની મજા
અમદાવાદના એક પતંગરસિકે જણાવ્યું હતું કે અમે છાપાંમાં વારંવાર ખંભાતની ઉત્તરાયણ વિશે વાંચતા હતા. જેને લઈ આજે પરિવારના ૧૯ સભ્યો વાહન કરી ખંભાત ખાતે આવી સાચો આનંદ લીધો છે. તો સુરતના એક પતંગરસિકે જણાવ્યું હતું કે અમે દર વર્ષે લક્ઝરી બસ કરી ખંભાત ખાતે દરિયાઈ ઉત્તરાયણ માટે આવીએ છે. આ વર્ષે અમે મ્યુઝીક સિસ્ટમ સાથે લઈ આવી દરિયાકિનારે પતંગ ચગાવવા સાથે ખાણીપીણી અને ડાન્સ સાથે ઉજવણી કરી હતી.