ધર્મજ ગામે જલારામ મંદિરના તાળા તૂટયા, 1.75 લાખની મત્તાની ચોરી
- ચાંદીની પાદુકા, 3 દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા
- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી
ગત ગુરુવાર રાત્રિથી શુક્રવાર વહેલી પરોઢના સમયગાળા દરમ્યાન આ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરના પગથીયાના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ચાંદીની પાદુકા કિં.રૂા.૫૦ હજાર તેમજ ત્રણ દાનપેટીઓમાં આવેલ અંદાજે રૂા.૧.૨૫ લાખ મળી કુલ રૂા.૧.૭૫ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારના સુમારે વોચમેન જાગી જતા મંદિરમાં તપાસ કરતા તાળાં તુટેલી હાલતમાં હોવાથી આ અંગે ટ્રસ્ટીને જાણ કરતા તેઓ મંદિર ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરતા ચાંદીની પાદુકા તેમજ દાનપેટીઓમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલૂમ પડયું હતું.
જેથી આ અંગે જલારામ મંદિરના મેનેજર કિરીટભાઈ કાંતિભાઈ પરમારે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તેમજ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.