પેટલાદ તાલુકાના ખડાણા ગામે 2 મકાનના તાળાં તૂટયા
- પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો ત્રાટક્યા
- દાગીના અને રોકડની ચોરી થઇ, પોલીસે ફરિયાદના આધારે ચોરી અંગે તપાસ આદરી
ખડાણા ગામના સરદારપુરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ સહિતનો પરિવાર ગઈકાલ રાત્રીના સુમારે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગયો હતો. દરમ્યાન રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન નજીકના વિસ્તારમાં રહેતા કનુભાઈ ઠાકોરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી પણ લાખો રૂપીયાની ચોરી કરી હતી. એક સાથે બે મકાનના તાળાં તુટતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે. જો કે ચોરીના આ બનાવ અંગે નમતી બપોર સુધીમાં પોલીસ મથકમાં ફરીયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
નોંધપાત્ર છેકે રૂપીયાપુરા ગામે લગભગ દશ દિવસ પૂર્વે અજાણ્યા તસ્કરોએ પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી હોવાના બનાવની યાદ હજી તાજી છે .