સામરખા ગામની હારિયા તલાવડી પાસેથી 57 હજારનો દારૂ પકડાયો
- આણંદ ગ્રામ્ય પોલીસનો ઓચિંતો છાપો
- ઘટના સ્થળેથી બે ફરાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સામરખા ગામે રહેતો રાજદીપ ઉર્ફે મોન્ટુ પ્રકાશ ગોરધનભાઈ પરમાર અને વર્ષલ ઉર્ફે ભુટો વિજયભાઈ પરમાર ભેગા મળી એક નંબરપ્લેટ વગરના ટુવ્હીલર ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરી વેચાણ કરતા હોવાની અને વિદેશી દારૂનો જથ્થો હારીયા તલાવડી નજીક ઝાડી-ઝાંખરામાં છૂટો છવાયો રાખેલ હોવાનું તથા બંને શખ્સો ટુ-વ્હીલર ઉપર વિદેશી દારૂનો જથ્થો લેવા તલાવડી ખાતે ગયા હોવાની ગુપ્ત બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. દરમ્યાન હારીયા તલાવડી ખાતેથી બંને શખ્સો પોલીસને જોઈ નાસી છૂટયા હતા. દરમ્યાન પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા ત્યાંથી એક ટુવ્હીલર મળી આવ્યું હતું જેની તલાશી લેતા એક્ટીવા પરથી એક મીણીયાના થેલામાં રાખેલ વિદેશી દારૂની બે નંગ બોટલ તથા બીયરના દસ ટીન મળી આવ્યા હતા. પોલીસે આજુબાજુના ઝાડીઝાંખરામાં તપાસ કરતા બીયરના સાત ટીન તેમજ વિદેશી દારૂની સાત બોટલો મળી આવી હતી. પોલીસે કુલ્લે રૂા.૭૧૦૦નો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો જપ્ત કરી ફરાર થઈ ગયેલ બંને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.