કંતાનના કોથળામાં ભુસાની આડમાં લઇ જવાતો 4.80 લાખનો દારૂ ઝડપાયો
- થર્ટી ફસ્ટની ઉજવણીને લઇને દારૂની હેરાફેરી વધી
- આણંદ શહેરની સુવચન રેસીડેન્સિ પાસેથી ખોટી નંબર પ્લેટવાળું પીક અપ ડાલુ ઝડપાયું
આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલ નજીક આવેલ સુવચન રેસીડેન્સીની નજીક કોમન પ્લોટની સામે આવેલ રોડની સાઈડમાં ભુસા ભરેલ કોથળાની આડમાં નીચેના ભાગમાં વિદેશી દારૂ ભરેલ એક પીકઅપ ડાલુ પડેલ હોવાની ગુપ્ત બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી.
જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા એક પીકઅપ ડાલુ પડેલ મળી આવ્યું હતું. પોલીસે પીકઅપ ડાલાની પાછળના ભાગે તપાસ કરતા કંતાનના કોથળામાં ભુસુ ભરેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. પોલીસે ભુસાના કોથળા હટાવી નીચે જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા કુલ ૧૦૧ નંગ પેટીઓ થઈ હતી. જેની અંદાજિત કિંમત રૂા.૪.૮૦ લાખ જેટલી થવા જાય છે. પોલીસે પીકઅપ ડાલાના નંબર અંગે તપાસ કરતા ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું ખુલવા પામ્યું હતું.
હાલ તો પોલીસે વિદેશી દારૂ તથા પીકઅપ ડાલુ મળી કુલ્લે રૂા.૬.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આણઁદ પોલીસના હવાલે કરતા આણંદ શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.