આણંદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- ગુજરાતમાં મેઘરાજાનું આગમન થતા
- ચોમાસું શરૂ થવા આડે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી : ખેડૂતોએ તૈયારીને આખરી ઓપ આપ્યો
આણંદ : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ગત શુક્રવારના રોજ આણંદ જિલ્લામાં મેઘરાજાએ પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ વિરામ ફરમાવ્યો છે. જો કે આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાની આગાહી વચ્ચે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાવાસીઓ બાફ અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે.
ગત શુક્રવાર રાત્રિના સુમારે આણંદ જિલ્લામાં ઠેર-ઠેર વરસાદ વરસ્યો હતો. તેમાંય ખાસ કરીને જિલ્લાના આણંદ, ખંભાત અને તારાપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે ત્યારબાદ લગભગ છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે. ગતરોજ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આગામી ત્રણ દિવસમાં આણંદ જિલ્લામાં પણ મેઘરાજાની પુન: પધરામણી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જગતનો તાત પણ મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. કેટલાક ખેડૂતો દ્વારા ખેતીપાકની અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરો ખેડીને તૈયાર કરી દીધા છે. વરસાદના આગમન સાથે જ ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બનશે. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાવાસીઓ ભારે બાફ અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૬.૭ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૮.૫ અને સરેરાશ તાપમાન ૩૨.૬ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ઝડપ ૫.૮ કી.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૯.૧ નોંધાયો હતો. કેરળ ખાતેથી ચોમાસાનું આગમન થયા બાદ ગતરોજ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે ત્યારે નજીકના દિવસોમાં જ આણંદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.