Get The App

ગરબા મહોત્સવના એન્ટ્રી ગેટ પાસેના ફોટોશુટ ડોમમાં મોડી રાત્રે આગ લાગતા અફડાતફડી

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ગરબા મહોત્સવના એન્ટ્રી ગેટ પાસેના ફોટોશુટ ડોમમાં મોડી રાત્રે આગ લાગતા અફડાતફડી 1 - image


- આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ આયોજીત

- પ્રથમ નોરતે ફાયર એનઓસી ન મળતા હંગામી મંજૂરી મળી હતી : રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધના જાહેરનામાનું પોલીસની હાજરીમાં ઉલ્લંઘન  

આણંદ : નવરાત્રિના પ્રથમ નોરતે આણંદ શહેરમાં અક્ષરફાર્મ રોડ ઉપર વૃંદાવન ગ્રાઉન્ડમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં એન્ટ્રી ગેટ પાસે બનાવેલા ફોટોશુટ ડોમમાં મોડી રાત્રે આગ લાગી હતી. ડોમ સળગવા લાગતા આયોજકોમાં અફરાતફરી મચી હતી. પ્રથમ દિવસે ગરબા સ્થળે ઓછી ભીડ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આણંદમાં તમામ મોટા ગરબા આયોજકોને ગુરુવારે આરતી પુરતી એક દિવસની હંગામી પરમીશન આપવામાં આવી હતી.  ઉપરાંત મોટાભાગના મોટા ગરબાના સ્થળોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાત્રે ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધના જાહેરનામાનું ઉલ્લંઘન થયું હોવા છતાં પોલીસ મૂકપ્રેક્ષક બની હોવાના આક્ષેપ લાગ્યા છે.  

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ નવરાત્રિ પહેલા ગરબા આયોજકો સાથે બેઠક યોજીને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાત્રે ૧૨ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર રાખવા અને ફાયર સેફ્ટી રાખવા સુચના આપી હતી. જોકે, આણંદના અક્ષરફાર્મ રોડ ઉપર વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત ગરબા મહોત્સવ, આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા એચ.એમ.પટેલ સ્ટેચ્યુ નજીક સરદાર ગુ્રપ આયોજિત ગરબા મહોત્સવ અને માંગલિક પાર્ટીપ્લોટ નજીક હાર્ટકીલર ગુ્રપ આયોજીત ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ તથા સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું અને ૧૨ વાગ્યા બાદ પણ સાઉન્ડ સીસ્ટમ સાથે ગરબા યોજાયા હતા. તેમજ વિદ્યાનગર રોડ યુવક મંડળ આયોજીત ગરબા મહોત્સવના એન્ટ્રી ગેટ પાસે બનાવેલા ફોટોશુટ ડોમમાં ગુરુવારે મોડી રાત્રે એકાએક શોર્ટસર્કીટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. 

ગુરુવારે વડોદરા કચેરીમાં સર્વર ડાઉન હોવાથી ફાયર એનઓસી આવી નહતી. જેથી વૃંદાવન, સરદાર અને હાર્ટકીલર ગુ્રપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવને આરતી પુરતી એક દિવસની હંગામી પરમીશન આપવામાં આવી હતી. ફાયર એનઓસી મળ્યા બાદ જ પરમીશન આપવામાં આવશે તેમ મામલતદાર કચેરી સૂત્રોએ જણાવ્યું હતું 

આ ઘટનાની જાણ થતાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ મોડી રાત્રે વ્યવસાયિક ગરબા મહોત્સવની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં હાર્ટકીલર ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લેતા કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી. જેથી ઉપસ્થિત પોલીસ અધિકારીઓને નિયમોનું પાલન કરાવવા કડક શબ્દોમાં ટકોર કરી હતી. તો કેટલાક ગરબા આયોજકો દ્વારા જાહેર માર્ગો ઉપર બેરીકેટ લગાવી પ્રવેશબંધી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ આણંદ શહેરમાં મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી ન મળતા તંત્ર દ્વારા ગુરુવારે એક દિવસ પુરતી જ ફક્ત આરતી માટે હંગામી પરવાનગી આપવામાં આવી હોવા છતાં કેટલાક સ્થળોએ ગરબા યોજાયા હતા.

શુક્રવાર મોડી સાંજ સુધી ગરબા આયોજકોને મંજૂરી મળી નહીં  

આગના બનાવ બાદ વડોદરા રિજનલ ફાયર ઓફિસર જે. બી. ગઢવીએ શુક્રવારે બપોરે આણંદ-વિદ્યાનગરના ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ તપાસ કરી હતી. ત્યારે મોડી સાંજ સુધી વૃંદાવન ગ્રાઉન્ડમાં આયોજીત ગરબા, હાર્ટકીલર, સરદાર પટેલ અને સ્ટ્રાઈકરને ફાયર એનઓસીની મંજૂરી મળી નહતી.  

એક સિવાય કોઇ ગરબા આયોજને ફાયર એનઓસી મળી નથી : ફાયર અધિકારી 

આણંદ ફાયર વિભાગના સુપ્રિટેન્ડન્ટ ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, ફાયર એનઓસી આપવાની સત્તા વડોદરા રીજિયોનલ કચેરીની છે. આણંદમાં વૃંદાવન, હાર્ટકીલર, સરદાર પટેલ, ડી.એન.હાઈસ્કૂલ તથા સ્ટ્રાઈકર પરિવાર દ્વારા પાંચ સ્થળોએ ગરબાનું આયોજન કરાયું છે. જોકે, એક માત્ર ડી.એન.હાઈસ્કૂલને બાદ કરતા અન્ય તમામ મોટા ગરબા આયોજકોને ગુરુવારે રાત્રે ૮ વાગ્યા સુધી ફાયર એનઓસી ન હોવાથી પરમિશન મળી નહતી. 


Google NewsGoogle News