આણંદમાં બહેનનું મકાન પચાવી પાડતા ભાઈ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ
- કલેક્ટરના હુકમ બાદ ફરિયાદ નોંધાઈ
- મુંબઈથી પુત્રની સારવાર માટે આવેલી બહેનને પુત્રીના લગ્ન બાદ પણ ભાઈએ મકાન ન સોંપ્યું
મુંબઈ ખાતે રહેતા ગુણવંતીબેન થોમસભાઈ પરમારે તા. ૧૬-૫-૨૦૦૫ના રોજ ભાનુબેન પીટરભાઈ પરમાર તથા જશુભાઈ સેમ્યુલભાઈ વાઘેલા પાસેથી પાધરીયા વિસ્તારમાં સેન્ટ મેરીઝ પાર્ક સોસાયટીમાં મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ્યું હતું. મકાન ખરીદ્યા બાદ સાસરી મુંબઈ થતી હોવાથી તેમના ભાઈ વિનોદભાઈ સદગુણભાઈ પરમારને સાચવવા અને ઉપયોગ કરવા આપ્યું હોવાથી તેઓ પરિવાર સાથે રહેતા હતા.
ગત વર્ષે ગુણવંતી બેનના પુત્રને ગંભીર બીમારી લાગુ પડતા તેને મુંબઈથી કરમસદ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જેથી ગુણવંતીબેન આણંદ ખાતે આવ્યા હતા અને વિનોદભાઈને ઘર ખાલી કરવાની વાત કરતા વિનોદભાઈએ પુત્રીના લગ્ન બાદ મકાન ખાલી કરી આપીશ તેમ જણાવતા તેઓ પુત્રને લઈ કરમસદ ખાતે રહેતી પુત્રીના ઘરે રહેવા ગયા હતા.
વિનોદભાઈની પુત્રીના લગ્ન જાન્યુઆરી-૨૦૨૪માં થઈ ગયા બાદ ગુણવંતીબેને મકાન ખાલી કરવાનું કહેતા મકાન મારું છે, ખાલી કરવાનો નથી તારાથી થાય તે કરી લેજે તેમ વિનોદભાઈએ કહી દીધું હતું.
બાદમાં ગુણવંતીબેને નોટિસ મારફતે તેમજ અવારનવાર મકાન ખાલી કરવાનું કહેવા છતાં મકાનનો કબજો ન છોડતા આખરે જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જેની તપાસ પૂર્ણ થયા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી જિલ્લા કલેકટરે હુકમ કરતા આણંદ શહેર પોલીસે વિનોદભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.