પતંગ- દોરીના ભાવમાં 20 ટકા સુધીનો તોતિંગ ભાવ વધારો
- પતંગરસિયાઓ માટે આ વર્ષે ઉત્તરાયણ મોંઘી થશે
- ઉત્તરાયણને લઈને આકાશમાં પતંગો ઉડવાના શરૂ : પતંગરસિયાઓમાં અનેરો આનંદ
આણંદ : ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લામાં પતંગ-દોરીની હાટડીઓ ધમધમી ઉઠી છે. જો કે ચાલુ વર્ષે રોમટીરીયલના ભાવોમાં વધારો નોંધાતા પતંગ-દોરીના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો ભાવ વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પર્વની ઉજવણીને લઈ પતંગરસિયાઓએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ પતંગ-દોરીની ખરીદીમાં તેજી આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
અબાલ-વૃધ્ધ સૌ કોઈના અતિપ્રિય તહેવાર ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં પર્વની ઉજવણીની તૈયારીઓ આરંભી દેવાઈ છે. પર્વને આડે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે પતંગ રસિયાઓએ અત્યારથી જ પતંગ ઉડાડવાની મજા માણવાની શરૂઆત કરી દીધી છે.
પતંગરસિકો દ્વારા હાલ દોરી-પતંગની ખરીદી તેમજ માંજો પીવડાવવાની તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે. ગ્રાહકોની માંગને પહોંચી વળવા પતંગ-દોરીના વેપારીઓ દ્વારા જયપુરી તેમજ ખંભાતી સહિત વિવિધ પ્રકારની નીત-નવી અને ભાત-ભાતની પતંગો બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. પર્વ નજીક આવતા ગ્રાહકો દ્વારા ખરીદી તેજ કરાશે. હાલ બજારમાં પર્વને અનુરૂપ વિવિધ પ્રકારના માસ્ક, ટોપી, પીપુડા, ચશ્મા સહિતની વસ્તુઓ પણ વેપારીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દોરી-પતંગના ભાવમાં ૧૦થી ૨૦ ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. આ અંગે સીઝનલ વેપાર કરતા બંટીભાઈએ જણાવ્યું હતું કે રો-મટીરીયલના ભાવોમાં વધારો થતા તેની સીધી અસર પતંગોના ભાવ ઉપર પડી છે. પતંગ તેમજ દોરીના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ સારી ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
અન્ય રાજ્યમાંથી આવતા માંજો ઘસનારા ઉસ્તાદોની હજુ ડિમાન્ડ
હાલ બજારમાં ગ્રાહકોની માંગને અનુરૂપ વેપારીઓ દ્વારા વિવિધ વેરાઈટીની દોરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ કેટલાક પતંગરસિકો આજે પણ જાતે રીલ ખરીદી યુપી, બિહાર, એમ.પી. તરફથી આવતા ઉસ્તાદો પાસે દોરી ઘસીને પીવડાવતા હોય છે. પર્વ નજીક આવતા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં બહારના રાજ્યોમાંથી આવતા માંજો ઘસનાર ઉસ્તાદોને ત્યાં પતંગરસિયાઓ દોરી ઘસીને પીવડાવતા નજરે પડી રહ્યા છે.
પતંગની વિવિધ વેરાઈટીઓના ભાવ
પતંગની
વેરાઈટી કોડી દીઠ |
ભાવ (રૂપિયામાં) |
જયપુરી ૨૦૦ થી ૨૪૦ |
ખંભાતી ૧૨૦ થી ૩૦૦ |
અમદાવાદી- |
નડીયાદી ચીલ ૧૨૦ થી ૨૫૦ |
બરોડા
ચક્કી ૧૩૦ થી ૩૦૦ |
બરોડા-કાગડા
ચીલ ૧૨૦ થી ૨૫૦ |
મટકી ચીલ ૧૮૦ થી ૩૦૦ |
મેટલ ૧૨૦ થી ૨૦૦ |
બરેલી- સુરતી દોરીની બોલબાલા
દોરી ભાવ/૧૦૦૦ વાર
બરેલી ૨૦૦ થી ૩૦૦
સુરતી ૨૦૦ થી ૩૫૦