ખંભાતના મીતલીની સેવા સહકારી મંડળી સાથે રૂ. 2.4 કરોડથી વધુની છેતરપિંડી
- સેક્રેટરી સહિત 11 વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
- લોન ધારકોના બોગસ દસ્તાવેજો તૈયાર કરી જમીન બોજામુક્ત કરાવી કૌભાંડ આચર્યું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ ખાતે રહેતા વિપુલકુમાર દિનેશચંદ્ર મહેતા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહ.બેંક.લી.ની ઉમરેઠ શાખામાં સિનીયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં તેઓ નડિયાદની મુખ્ય શાખામાં ફરજ બજાવતા હતા.
વર્ષ ૨૦૧૮માં ખંભાત તાલુકાના મીતલી સેવા સહકારી મંડળી દ્વારા ૨૨ જેટલા સભાસદો અને સેક્રેટરી રમેશભાઈ વાળંદ દ્વારા કબૂલવામાં આવેલ ૧૫ બાકીદારોની જમીનો મંડળીના તારણમાં મુકવામાં આવી હતી અને બેંકમાંથી લોન આપવામાં આવી હતી. સભાસદો પાસેથી લોનની રીકવરી કરી નાણાં જમા કરાવવાની જવાબદારી સેક્રેટરીની હતી અને લોન પૂરી થાય ત્યારે જે-તે લોન લેનારની જમીન પરનો બોજો મંડળીમાં પાડવામાં આવ્યો હોઈ તે બોજો મુક્ત કરાવવા માટે મંડળીના લોન ક્લીયરન્સ પ્રમાણપત્ર ઉપર રજિસ્ટ્રાર કચેરીના લખાણ સહિતની કાર્યવાહી કરવાની હોય છે.
મીતલી સેવા સહકારી મંડળીનું તા.૧-૪-૨૦૨૨ થી ૩૧-૩-૨૦૨૩ સુધીનું ઓડિટ કરાવવામાં આવતા મનુબા મહાવીરસિંહ ગોહીલને તેમની જમીન ઉપર કોઈ લેણું બાકી નથી તેવો દાખલો મંડળી દ્વારા આપવામાં આવ્યો હતો. જે હટાવવા બાબતની નોટિસ શાખામાં આવતા મંડળીમાં તપાસ હાથ ધરાઈ હતી.
જેમાં લોન ભરપાઈ થઈ ન હતી તેમ છતાં નો ડયુનો દાખલો આપવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરતા ૬ જેટલા લોન ધારકોને આવા દાખલા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બેંક દ્વારા વધુ તપાસ કરવામાં આવતા સેક્રેટરી રમેશભાઈ વાળંદે બાકીદારોની મુદ્દલ રૂા.૬૭.૦૪ લાખ ઉપરાંત તથા વ્યાજ મળી કુલ્લે રૂા.૨૦૪૭૨૯૨૭ સભાસદો પાસેથી વસૂલી બેંકમાં જમા કરાવ્યા ન હતા.
જેમાં મંડળીના ચેરમેન ભીખાભાઈ ડાહ્યાભાઈ પટેલ, વાઈસ ચેરમેન અનિરુધ્ધસિંહ રેમુભાઈ ગોહીલ તથા ડીરેક્ટરો હિમ્મતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, નાગજીભાઈ તળશીભાઈ જાદવ, મફતભાઈ વેલાભાઈ મકવાણા, નારણભાઈ ભીમાભાઈ મકવાણા, તખતસિંહ કાનુભાઈ બારડ, ભીખાભાઈ વાલાભાઈ ભરવાડ અને કલાભાઈ રણછોડભાઈ ચુનારાનું પણ મેળાપીપણું બહાર આવતા આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.