ઉમરેઠમાં કાજીવાડા, ખાટકીવાડ કોલેરાગ્રસ્ત જાહેર
- શહેરમાં રોગચાળો બેકાબૂ : બે દિવસમાં ઝાડા ઉલટીના 222 કેસ નોંધાયા
- પાણીની લાઈનમાં 12 લિકેજ, માત્ર ચારનું સમારકામ કરાયું, આઠ લિકેજનું રિપેરિંગ બાકી, 502 આરસી ટેસ્ટમાંથી 340 પોઝિટિવ જ્યારે 162 નેગેટિવ ટેસ્ટ નોંધાયા
ઉમરેઠમાં છેલ્લા બે દિવસમાં ઝાડા-ઉલટીના કુલ ૨૨૨ કેસો નોંધાયા છે. જેમાં કાજીવાડ અને ખાટકીવાડમાં કોલેરાના બે કેસો નોંધાયા છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તંત્ર દ્વારા કુલ ૫૦૨ આરસી ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૩૪૦ પોઝીટીવ અને ૧૬૨ ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગની ૨૪ ટીમોએ સર્વે હાથ ધર્યો છે. જેમાં ક્લોરીનની ૪,૫૮૨ ગોળીઓ તથા ઓઆરએસના ૪૪૮ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
જ્યારે શહેરમાંથી ૧૨ સ્થળોએ પાણીના લીકેજ મળી આવ્યા છે. જે પૈકી તંત્ર દ્વારા માત્ર ચાર લિકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. જ્યારે હજૂ ૮ લિકેજનું સમારકામ બાકી હોવાનું જાણવા મળ્યું છે. ઉમરેઠ શહેરના કાજીવાડા અને ખાટકીવાડ કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ આણંદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમરેઠ શહેર તથા નજીકના આવતા ગામો થામણા, લીંગડા, હમીદપુરા, ભરોડા, રતનપુરા, ગંગાપુરા, બેચરી, ભાટપુરા, નવાપુરા, સુરેલી, ધુળેટા તથા પરવટામાં જાહેરનામા સંદર્ભે તકેદારીના પગલાં લેવા સુચના આપી છે. જેમાં ગામમાં ખુલ્લા ખાદ્ય પદાર્થોની નિયમિત ચકાસણી, ગંદકી અને કચરાનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવો, પાણીના સ્ત્રોતની મુખ્ય ટાંકીનું ક્લોરીનેશન કરાવવું અને સઘન ક્લોરીનેશન કરેલા પાણીનો પુરવઠો પુરો પાડવો, ગટરલાઈન અને પાણીની લાઈનનું લિકેજ તાત્કાલિક રીપેર કરાવવું, આરોગ્ય કેન્દ્રો દ્વારા ક્લોરીનની ગોળીઓ, ઓઆરએસના પેકેટ વગેરેનું વિતરણ, શૌચાલયનો ઉપયોગ કરવો સહિતની સુચનાઓ આપી તેની અમલવારી કરાવવા તાકીદ કરી છે.