ઉમરેઠમાં યુવાનનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલાયો
- 4 દિવસ અગાઉ આપઘાત કર્યો હતો
- વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યાના આક્ષેપ સાથે પરિવારજનોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો
ઉમરેઠ નગરમાં રહેતા અને કડિયાકામ કરીને જીવન ગુજારતા સબીર કારીગર નામના એક ૨૮ વર્ષીય યુવકે ચારેક દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પરિવારજનો દ્વારા યુવકના મૃતદેહની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ પરિવારજનોએ યુવકના મોબાઇલની તપાસ કરતા તેના ફોનમાંથી કેટલાક આપત્તિજનક રેકોડગ અને ધમકી ભર્યા મેસેજ જોવા મળ્યા હતા. જે અંગે તપાસ કરતા વ્યાજખોરો દ્વારા મૃતકને અવારનવાર ધમકી આપવામાં આવી હોવાનું પરિવારજનોના ધ્યાને આવતા પરિવારજનોએ આ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં અરજી આપી હતી. અરજી આપ્યા બાદ ઉમરેઠ પોલીસ દ્વારા આ અંગે કોઈ તપાસ કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈ ઉમરેઠ પોલીસ એક્શનમાં આવી હતી અને આજે સવારના સુમારે પોલીસની હાજરીમાં દફન કરાયેલા મૃતદેને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું હતું.