Get The App

ઉમરેઠના શીલી ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોનો હોબાળો, તાળાબંધી કરી

Updated: Dec 26th, 2022


Google NewsGoogle News
ઉમરેઠના શીલી ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોનો હોબાળો, તાળાબંધી કરી 1 - image


- આચાર્ય અને શિક્ષિકાના પ્રેમપ્રકરણને લઇને વાલીઓ રોષે ભરાયા

- બાળકોના ભણતર પર આડ અસર થતી હોવાના મામલે ગ્રામજનો શાળાએ ધસી આવ્યા, ભારે હોબાળો મચાવ્યો

આણંદ : ઉમરેઠ તાલુકાના શીલી ગામે આવેલ સિધ્ધનાથ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષિકાના કથિત પ્રેમ પ્રકરણને લઈ આજે ગ્રામજનોએ શાળા ખાતે હોબાળો મચાવી શાળાને તાળાબંધી કરતા ભારે ચકચાર મચી હતી. છેલ્લા કેટલાક સમયથી આચાર્ય અને શિક્ષિકાના પ્રેમસંબંધને કારણે વિદ્યાર્થીઓને ભણતર પર અસર પડતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા ખંભોળજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હોબાળો થતા આચાર્ય તથા શિક્ષિકા નૌ-દો-ગ્યારહ થઈ ગયા હોવાનું ચર્ચાની એરણે ચઢ્યું હતું.

મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના શીલી ગામે શ્રી સિધ્ધનાથ વિદ્યાલય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલ છે. વર્ષ-૨૦૦૨માં વિનુભાઈ શાંતિલાલ ઠાકોરને સામાજીક વિજ્ઞાાન વિષય સાથે સંસ્થામાં નોકરી ઉપર રખાયા હતા. જે-તે સમયે તેઓ કણભઈ પુરા ગામના સરપંચ સાથે એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હતા. જો કે ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ વિનુભાઈ ઠાકોર શરૂઆતથી જ ફરજમાં અનિયમિત હતા અને ફરજ દરમ્યાન મોબાઈલ તથા સોશિયલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરવા સાથે શિક્ષણકાર્યમાં અનિયમિત હોઈ વાલીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરાઈ હતી. 

જેને લઈ શીલી કેળવણી મંડળ તરફથી તેમને વારંવાર નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં વિનુભાઈ ઠાકોર પોતાની ફરજમાં અનિયમિત રહ્યા હતા. વધુમાં ગ્રામજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ આચાર્ય નિવૃત્ત થતા હંગામી ધોરણે નિમાયેલ નવા આચાર્યને વિનુભાઈ ઠાકોરે રાજકીય પીઠબળથી હટાવી પોતે આચાર્યપદ મેળવી લીધું હતું. વર્ષ ૨૦૧૪-૧૫માં આચાર્ય પદ મેળવ્યા બાદ તેઓએ શાળામાં મનમાની શરૂ કરી હતી અને છેલ્લા છ વર્ષથી ફરજ બજાવતી શાળાની શિક્ષિકા સાથે સંબંધ બનાવ્યા હતા. શાળાનો સમય પૂર્ણ થયા બાદ પણ શિક્ષિકાને ઘરે પરત ફરવામાં વિલંબ થતા શિક્ષિકાના પતિએ તપાસ કરતા શાળાના આચાર્યએ શિક્ષિકાને અનેક કોલ કર્યા હોવાનું મોબાઈલમાં જોવા મળ્યું હતું. જે અંગે આચાર્યને  જણાવતા તેઓ ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા. બાદમાં પતિએ ગામના એક ધાર્મિક ગુરુ સહિત અન્ય ગ્રામજનોને આ અંગે જાણ કરતા તેઓ ચોંકી ઉઠયા હતા.

દરમ્યાન છેલ્લા ઘણા સમયથી આચાર્ય તથા શિક્ષિકાના કથિત પ્રેમસંબંધ બાબતે શિક્ષણ વિભાગમાં થયેલ રજૂઆતો અંગે કોઈ કાર્યવાહી ન કરાતા વિફરેલા ગ્રામજનોએ આજે સવારના સુમારે હોબાળો મચાવ્યો હતો. 

મોટી સંખ્યામાં ગ્રામજનો શાળા ખાતે પહોંચી ગયા હતા અને શાળાના મુખ્ય ગેટ ઉપર આચાર્ય શાળા છોડો તેવા પોસ્ટર ચીપકાવી શાળાને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે જ્યાં સુધી આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચિમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારાઈ છે.

શાળામાં સુવર્ણજ્યંતિ મહોત્સવ રોકવાના પ્રયાસો થતા હોવાનો આક્ષેપ

આણંદ : શીલી ગામે આવેલ શ્રી સિધ્ધનાથ વિદ્યાલય ખાતે ગ્રામજનો દ્વારા હોબાળો મચાવવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. શીલી કેળવણી મંડળ દ્વારા ખંભોળજ પોલીસ મથકમાં કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ આગામી મહીને સુવર્ણ જયંતિની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે શાળામાં હાલ વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પરંતુ ગામના કેટલાક વિઘ્નસંતોષીઓ અને આગેવાનો દ્વારા આ કાર્યક્રમ ન યોજાય તે માટે શાળા અને મંડળ વિરુધ્ધ પ્રવૃત્તિઓ કરતા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆતમાં કરાયો છે અને શ્રી સિધ્ધનાથ વિદ્યાલય શીલીમાં સુલેહભંગ ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા મંડળ દ્વારા માંગ કરાઈ છે.


Google NewsGoogle News