આંકલાવમાં વીરકુવા ચોકડી પાસેના કાચા-પાકા દબાણો દૂર કરાયા
- નોટિસ આપ્યા બાદ બુલડોઝર ફેરવી દેવાયું
- રોડ સાંકળા બનતા ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી
છેલ્લા ઘણા સમયથી દબાણોનો રાફડો ફાટયો હતો જેને જાહેર માર્ગો સાંકડા થઈ ગયા હતા. આ અંગે એક અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી. જેથી સીટી સર્વે કચેરી દ્વારા આ અંગે તપાસ હાથ ધરી દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા સૂચના આપી હતી. જો કે પરિસ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી હતી.
દિવાળી ટાણે ગેરકાયદેસર દબાણોના કારણે આ સ્થળે અવારનવાર ટ્રાફીક જામની સમસ્યા જોવા મળી હતી. જેથી પેટલાદ સિટી સર્વે કચેરી દ્વારા દિવાળી પહેલા ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ પાઠવી ૯મી નવેમ્બર સુધીમાં દબાણો દુર કરવા જણાવાયું હતું. જો કે દબાણો દુર કરવામાં ન આવતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ દ્વારા વીરકુવા ચોકડી ખાતે ખડકાયેલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા પંદરથી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં વીરકુવા ચોકડી ખાતે ભાજપ કાર્યાલયનુંપણ નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે તેનું ખાતમૂહુર્ત થાય તે પૂર્વે તંત્ર દ્વારા તે દબાણ પણ દુર કરવામાં આવ્યું હતું. આંકલાવ પંથકમાં આસોદર તથા ઉમેટા ચોકડી ખાતે પણ મોટા પાયે ગેરકાયદેસર દબાણોની સમસ્યા વકરી છે ત્યારે આ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.