ઉમરેઠના ઢાગપાલમાં ક્ષત્રિયોએ વિરોધ કરતા ભાજપના આગેવાનોએ પરત ફરવું પડયું
- રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા
- પ્રવેશબંધીના બેનર માર્યા હોવા છતાં પ્રચારમાં આવતા ક્ષત્રિયોએ રોષ ઠાલવ્યો
ઉમરેઠના ઢાગપાલ વિસ્તારના દરબાર વગામાં પ્રચાર કરવા ગયેલી ભાજપની ટીમને જોઈ ક્ષત્રિય સમાજના યુવકો રોષે ભરાયા હતા. યુવકોએ રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાક કરી, અમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવવું નહી તેમ કહેતા ભાજપના કાર્યકરોએ પ્રચાર અભિયાન આટોપી પરત ફરવું પડયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં પંદરેક દિવસ પૂર્વે રૂપાલા વિરોધી બનેરો લાગ્યા હતા અને ટિકીટ રદ કરવાની માંગ કરાઈ હતી. તેમ છતાં ભાજપે રૂપાલાના ટિકીટ રદ્દ ન કરતા હવે ક્ષત્રિયો ભાજપ સામે મેદાને પડયા છે. ઉમરેઠની રાજપૂત સમાજની અનેક મહિલાઓએ કુળદેવીના સોગંદ સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા.
ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને પણ તાજેતરમાં ખંભાતની અંબિકાનગર સોસાયટીમાં મહિલાઓના વિરોધનો સામનો કરવો પડયો હતો. પ્રચાર અર્થે ગયેલી ટીમ સામે મહિલાઓએ એકત્ર થઈ છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન મળતું હોવાના પ્રશ્નને લઈ રોષ ઠાલવતા ભાજપના આગેવાનોએ વિમાસણમાં મુકાવું પડયું હતું.
ઉમરેઠના હમીદપુરા ગામે ભાજપના પ્રચાર અર્થે ગયેલી બહેનોેને ક્ષત્રિય સમાજના કેટલાક યુવકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. ગામની ભાગોળે મહિલાઓએ પ્રચારમાં જતા કેટલાક યુવકો સાથે બોલાચાલી થયા બાદ યુવકોએ એકત્ર થઈ રૂપાલા હાય...હાય...ના નારા લગાવતા મહિલાઓએ કારમાં બેસી રવાના થવાની ફરજ પડી હતી.