આણંદમાં એસટી બસે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી 3 કારને અડફેટે લીધી
- બસના ચાલક અચાનક બેભાન થઈ જતાં
- વીજપોલ સાથે ટકરાઈને ઉભી રહી ગઈ : ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા, જાનહાનિ નહીં
આણંદના જૂના બસ મથકેથી સોમવારે સવારે વડોદરાથી ચકલાસી રૂટની એસટી બસ લઈને મનુભાઈ વાઘેલા નીકળ્યા હતા. બસ લક્ષ્મી ચોકડી નજીક પહોંચતા ચાલક મનુભાઈ અચાનક બેભાન થઈ સ્ટેરિંગ પર ઢળી પડયા હતા.
જેથી એસટી બસ બેકાબુ બની રોંગ સાઈડમાં ધસી જઈ રોડની સાઈડમાં પાર્ક કરેલી ત્રણ કારને અડફેટે લીધા બાદ એક વીજપોલ સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. બસની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ બસના ચાલકને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં અંદાજે ૨૫ જેટલા મુસાફરો સવાર હતા. એસટી બસના ચાલક મનુભાઈ થોડા સમય પહેલા નિવૃત થયા હતા અને ચારેક માસ પહેલા તેમને એસટી તંત્ર દ્વારા પુનઃ નોકરી ઉપર રાખવામાં આવ્યા હતા. આ અંગે આણંદ એસટી ડેપોના ઈન્ચાર્જ ડેપો મેનેજર ભાવિનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, સરકાર અને નિગમની જોગવાઈ અને નિયમો મુજબ નિવૃત કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ડ્રાઈવર-કંડક્ટરોની ઘટના કારણે એસ.ટી. બસોનું સંચાલન સારી રીતે ચાલે તે માટે નિવૃત્તિ બાદ પણ કર્મચારીઓની ઉચ્ચક વેતનથી ભરતી કરવામાં આવે છે.