આણંદમાં રક્ષાબંધન પર્વ પર મિઠાઈ અને ચોકલેટની માંગ વધી

Updated: Aug 30th, 2023


Google NewsGoogle News
આણંદમાં રક્ષાબંધન પર્વ પર મિઠાઈ અને ચોકલેટની માંગ વધી 1 - image


- પેંડા-બરફીની બોલબાલા યથાવત

- ગોળમાંથી બનતી મિઠાઈ આકર્ષણનું કેન્દ્ર, ચોકલેટના ગિફ્ટપેક્સની ડિમાન્ડ

આણંદ : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનને લઈ આણંદની બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાખડી સહિત મિઠાઈ તેમજ ચોકલેટની માંગ વધી છે. વિવિધ પ્રકારની મીઠાઈની સાથે ચાલુ વર્ષે બજારમાં ગોળમાંથી તૈયાર થયેલી મીઠાઈઓ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પર્વને લઈ વેપારીઓ દ્વારા મિઠાઈઓની સાથે સાથે વિવિધ વેરાઈટીની ચોકલેટ્સના ગીફ્ટપેકનો સ્ટોક અગાઉથી જ કરી દીધો છે.

તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી દરમિયાન મિઠાઈની બોલબાલા વધી જતી હોય છે. શુભકાર્ય તથા તહેવારો ટાણે મોઢું મીઠું કરાવવાનો રિવાજ છે. મોટાભાગે પેંડાની વિવિધ વેરાઈટીની સાથે સાથે વિવિધ પ્રકારની બરફીની માંગ વધુ જોવા મળે છે. જો કે સમય સાથે પરિવર્તન આવતા કેટલાક લોકો મિઠાઈની જગ્યાએ વિવિધ વેરાઈટીની ચોકલેટોની ખરીદી કરતા હોય છે. 

હાલ રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત બજારમાં રાખડી તેમજ મિઠાઈની ખરીદીમાં તેજી આવી છે. જો કે મિઠાઈની સાથે સાથે ચોકલેટની માંગ વધતા વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારના રૂા.૧૦૦ થી માંડીને રૂા.૧,૫૦૦ સુધીના ચોકલેટના ગીફ્ટ પેક્સ બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. 

આ અંગે વેપારી દત્તુભાઈ સુખડીયાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મિઠાઈના ભાવોમાં કોઈ જ વધારો ન નોંધાતા સારી ઘરાકી નીકળી છે. હાલ બજારમાં પેંડાની વિવિધ વેરાઈટીની સાથે  સાથે સુગરફ્રી મિઠાઈનું ચલણ વધ્યું છે. ચાલુ વર્ષે ગ્રાહકો માટે ગોળમાંથી વિવિધ મિઠાઈ જેવી કે પેંડા, કાજુકતરી બનાવી વેચાણ અર્થે મુકવામાં આવતા ગ્રાહકોમાં આવી મિઠાઈ આકર્ષણનું કેન્દ્ર બની છે. 

ચોકલેટની માંગ વધુ રહેતા કેટલાક વેપારીઓ દ્વારા ઓર્ડર આપી સ્પેશ્યલ ચોકલેટ્સના ગીફ્ટ પેક બનાવડાવતા હોય છે. જો કે મોંઘવારીના યુગમાં કેટલીક ગૃહિણીઓએ ઘરે જાતે જ ચોકલેટ તૈયાર કરી હતી. ગૃહિણીઓ દ્વારા મિત્ર વર્તુળ પાસેથી ઓર્ડર લઈ વિવિધ વેરાઈટીની ચોકલેટો આકર્ષક પેકિંગમાં તૈયાર કરી આપવાનું ચલણ પણ વધ્યું છે.


Google NewsGoogle News