આણંદમાં શાકભાજીના ભાવ બમણા થતાં બજેટ ખોરવાયું
- શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો
- મરચા, ટામેટા કિલોએ રૂ. 80 એ પહોંચ્યા : ગુવાર, પરવર, ચોળી અને ટીંડોરા પેટ્રોલ કરતા પણ મોંઘા
આણંદ : ગત ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળતા શાકભાજી, ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું છે. તેવામાં આણંદ જિલ્લામાં શાકભાજીના ભાવો ડબલ થઈ જતાં ગૃહિણીઓની હાલત કફોડી બની છે.
આણંદ શાક માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં તમામ લીલા શાકભાજીની આવક ખૂબ ઓછી થઈ ગઈ છે. સ્થાનિક વિસ્તારોમાંથી શાકભાજી આવતા નથી.
જ્યારે નાસિકથી આવતા ડુંગળી અને ટામેટા, ડીસાથી આવતા બટાકા સહિત બહારના વિસ્તારમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.
વરસાદના કારણે કેટલાક રસ્તાઓ બંધ હોવાથી ગાડીઓ આવતી નથી. જેથી હાલ શાકભાજીના ભાવમાં ગત સપ્તાહ કરતાં ૧૫૦થી ૨૦૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
પરિણામે ગૃહિણીઓ જરૂરિયાત મૂજબ શાકની ખરીદી કરતી હોવાથી ધંધા ઉપર પણ અસર પડી રહી હોવાનું ઉમેર્યું હતું.