આણંદમાં રૂ. 180 કરોડના ખર્ચે અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ બનશે
- 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે
- અગાઉ સિવિલ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં હવનમાં હાડકાં નાખનાર રાજકીય અગ્રણીઓ જશ ખાટવાની હોડમાં
જો કે આ અંગેની જાહેરાત થતા જ કેટલાક રાજકારણીઓએ તૈયાર ભાણા પર બેસી રાજકીય જશ ખાટવાનો પ્રયાસ કરી સોશિયલ મિડીયામાં મેસેજ વહેતા કર્યા હતા. જો ખરેખર સ્થાનિક રાજકારણીઓએ સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે રસ દાખવ્યો હોત તો સ્થાનિક સામાજિક કાર્યકરોએ હાઈકોર્ટ સુધી લાંબા થવાની જરૂર ઉભી ન થાત તેવો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે.
આણંદ ખાતે બનનાર અત્યાધુનિક સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.૧૮૦ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલનું ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળનું રાખવામાં આવશે. જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. ભવિષ્યમાં વધુ માળ બનાવવાની આવશ્યકતા ઉભી થાય તો બની શકે તે મુજબ શરૂઆતથી જ ફાઉન્ડેશન તૈયાર કરાશે.
ઉપરાંત સિવિલ હોસ્પિટલની બંને સાઈડ ઉપર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિ.માં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ ૫૦ બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલ જેવા અદ્યતન સાધનો કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો ઉપલબ્ધ બનશે. આણંદ ખાતે કુલ-૨૯૭૬૧.૫૬ ચો.મી. જમીન વિસ્તારમાં તૈયાર થનાર સિવિલ હોસ્પિટલમાં ૨૪૦ બેડ, ૪૫ આઈસીયુ બેડ અને ૪ ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં ૫૦ બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે. હોસ્પિટલ ખાતે ૮૬ કાર પાર્કિંગ થાય તેવી સુવિધા પણ તૈયાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લોકહિત રક્ષક સમિતિ આણંદના મહેશભાઈ વસાવા સહિતના કાર્યકરો દ્વારા આણંદ ખાતે સિવિલ હોસ્પિટલનું સત્વરે નિર્માણ થાય તે માટે તત્કાલીન જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી સહિત ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને આદેશ કરાતા આણંદમાં સિવિલ હોસ્પિટલના નિર્માણ માટેની ગતિવિધિ તેજ બની છે. જો કે અગાઉ શહેરના વ્યાયામ શાળા ખાતે સિવિલ હોસ્પિટલના નિર્માણ માટેની જગ્યા નક્કી કરાઈ ત્યારે કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓએ મેડિકલ માફીયાઓ સાથે મળી સિવિલ હોસ્પિટલ નિર્માણના હવનમાં હાડકાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ કોકડું ગુંચવાયું હતું. ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતા વિદ્યા ડેરી રોડ પર આવેલ વેટરનરી નજીક સિવિલ હોસ્પિટલ માટે જગ્યા ફાળવણી કરાઈ છે.
સોલાર રૂફ ટોપ લગાવવામાં આવશે
રૂા.૧૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સિવિલ હોસ્પિટલ ખાતે ઈલેક્ટ્રીસીટીની બચત માટે સોલાર રૂફ ટોપ લગાવવામાં આવશે જેથી ગ્રીન હોસ્પિટલ બનશે. ઉપરાંત હોસ્પિટલની ઈમારતમાં ઈમરજન્સી રેડીયોલોજી, રજિસ્ટ્રેશન, ફાર્મસી, લેબર એરિયા અને ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ અને ડેન્ટલ સંલગ્ન ઓપીડી ઉપલબ્ધ થશે. ઉપરાંત એનઆઈસીયુમાં ૧૬ બેડ, પીઆઈસીયુમાં ૬ બેડ, સાઈકોલોજી ઓપીડી, ફીઝીયોથેરાપી સ્કીમ ઓપીડી અને એનઆરસી ઓપીડીની સુવિધા ધરાવતા ૧૦ બેડ સાથે સાથે ૪ સ્પેશ્યલ રૂમ, ૪ ઓટી કોમ્પલેક્ષની સુવિધા ઉભી કરવામાં આવશે.