આણંદમાં એક વર્ષમાં ટીપી રોડ બિસ્માર બનતા લોકોને હાલાકી

Updated: May 16th, 2024


Google NewsGoogle News
આણંદમાં એક વર્ષમાં ટીપી રોડ બિસ્માર બનતા લોકોને હાલાકી 1 - image


- ભાવનાથ મંદિરથી ક્રિષ્ના પાર્ક સુધીનો રસ્તો ખખડધજ 

- માત્ર 30 ટકા બનાવેલા રોડમાં પણ નબળી ગુણવત્તાનું કામ કરાયું હોવાના આક્ષેપ

આણંદ : આણંદના ભાવનાથ મંદિરથી નાની ખોડિયાર વિસ્તારમાં ટીપી માર્ગ બનાવવાની કામગીરી લગભગ એક વર્ષ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં ભાવનાથ મંદિરથી ક્રિષ્ના પાર્ક સુધીનો જ માર્ગ બનાવી કામગીરી અધૂરી છોડવામાં આવતા માત્ર ૩૦ ટકા જેટલી કામગીરી જ પૂર્ણ થઈ છે. તેમાં પણ ઠેર ઠેર ગાબડા પડતા અને રોડનું ધોવાણ થતા પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો છે.

એકાદ વર્ષ પહેલાં ભાવનાથ મહાદેવથી મોટી ખોડિયાર સુધી ટીપી માર્ગ મંજૂર થતા તેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ભાવનાથ મહાદેવ મંદિરથી ક્રિષ્ના પાર્ક સુધીનો રોડ બનાવાયો હતો અને ત્યારબાદ કામગીરી ખોરંભે પડી હતી. જેથી મંજૂર થયેલા ટીપી રોડની માત્ર ૩૦ ટકા જ કામગીરી થઈ હતી, જ્યારે ૭૦ ટકા કામગીરી અધૂરી છોડી દેવાઈ હતી. 

ત્યારે હવે ૩૦ ટકા જેટલી થયેલી કામગીરીમાં પણ રોડ તૂટવાનું શરૂ થયું છે. ઠેરઠેર ગાબડા પડી કપચી ઉપસી આવી છે. આ માર્ગ પર આવેલી ગટરનું ઢાંકણું પણ છેલ્લા પંદર દિવસથી તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે.  જેથી વાહનચાલકોને અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

એક જ વર્ષમાં રોડ બિસ્માર હાલતમાં ફેરવાતા તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધિશો કોન્ટ્રાક્ટર દ્વારા શરતોને આધિન યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી થાય તેવી સ્થાનિકોની માંગ છે.

આ માર્ગની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ડ્રેનેજ લાઈનની કામગીરી બીજા ફેઝના તબક્કામાં છે અને તનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેથી એજન્સી દ્વારા સર્વે કરીને માર્ગની બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ આણંદ નગરપાલિકાના માર્ગ-મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News