આણંદના હાડગુડમાં 6 લોકો ડેન્ગ્યૂમાં સપડાતા તંત્રમાં દોડધામ
- દિવાળી પહેલાં ડેન્ગ્યૂના કેસથી લોકોમાં ફફડાટ
- મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની 14 ટીમો દ્વારા રેપીડ સર્વેની કામગીરી હાથ ધરાઈ
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર આણંદ જિલ્લામાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુના માહોલ વચ્ચે જિલ્લામાં કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. જિલ્લામાં શરદી, ઉધરસ, વાયરલ ઈન્ફેક્શનના કેસોની સાથે સાથે ડેન્ગ્યુ મેલેરિયાના શંકાસ્પદ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં હાડગુડ ગામના વિવિધ વિસ્તારોમાંથી કુલ છ વ્યક્તિઓના ડેન્ગ્યુના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળતા સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે. જેમાં કેટલાક બાળદર્દીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હાડગુડ ગામે ડેન્ગ્યુના કેસોની વાત જાણવા મળતા આરોગ્ય વિભાગની ૧૪ જેટલી ટીમો હાડગુડ ખાતે દોડી ગઈ હતી અને સર્વે કામગીરી હાથ ધરી હતી. હાલમાં વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાડગુડ ગામના વિવિધ વિસ્તારોમાં ૧૫૦ જેટલા મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો.
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર આઈ.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાડગુડ ગામે ડેન્ગ્યુના કેસો મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે રેપીડ સર્વે કામગીરી હાથ ધરી મચ્છર બ્રીડિંગના સ્થળોની તપાસ કરી તેના નાશ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.