Get The App

આણંદ જિલ્લામાં 5,600 બોર-કૂવાના જળસ્તર 18 મીટર સુધી ઊંચા આવ્યાં

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં 5,600 બોર-કૂવાના જળસ્તર 18 મીટર સુધી ઊંચા આવ્યાં 1 - image


- 5 વર્ષની સરખામણીમાં આ વર્ષે 135 ટકા વરસાદ પડયો 

- ચાલુ વર્ષે સિંચાઈની સમસ્યા હળવી થશે : ગત વર્ષે ભૂગર્ભ જળ 15 મીટર નીચે ઉતરી જતા ખેતીમાં અસર થઈ હતી : 425 તળાવો ઓવરફ્લો થતા પશુઓને પીવા માટે પાણીની તંગી હલ થશે

આણંદ : આણંદ જિલ્લામાં પાંચ વર્ષની સરેરાશમાં ચાલુ વર્ષે ૧૩૫ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે જિલ્લાના ૫૬૦૦થી વધુ બોર- કૂવાના જળસ્તર ૧૫થી ૧૮ મીટર ઊંચા આવ્યા છે. જેથી આખું વર્ષ સિંચાઈની તકલીફ નહીં પડે તેમજ લાઈટ બિલ પણ ઓછું આવશે. બીજી તરફ ૪૨૫થી વધુ તળાવો ભરેલા છે. જેના કારણે પશુઓ માટે પીવાના પાણીની પણ સમસ્યા નહીં સર્જાય તેવું જિલ્લા જળ- સિંચાઈ વિભાગમાંથી જાણવા મળ્યું છે.

 આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વરસાદમાં ઘટાડો થવા પામ્યો હતો. જેથી જિલ્લાના બોર કૂવામાં પાણીના સ્તર ૧૫ મીટરથી વધુ નીચે ઉતરી જતા ખેતીમાં મુશ્કેલીઓ પેદા થવા સાથે કૂવાનું વીજ બિલ પણ વધુ આવતું હતું. 

ભૂગર્ભ પાણીની અછતને કારણે બોરકુવાઓમાં પૂરતું પાણી આવી ન શકતા ખેડૂતો સિંચાઈ માટે મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા.

ચાલુ વર્ષે જૂન અને જુલાઈમાં વરસાદની અછત હતી જેથી ખેડૂત વર્ગ ચિંતામાં છવાઈ ગયો હતો. પરંતુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આણંદ જિલ્લામાં વરસાદની હેલી થતા જિલ્લાના આઠ તાલુકાઓમાં સરેરાશ ૧૮થી ૨૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ૧૩૫ ટકાથી વધુ વરસાદ જિલ્લામાં પડયો હતો. વધુ વરસાદને કારણે જિલ્લામાં આવેલા અંદાજિત ૬૧૦ જેટલા તળાવો ભરચક થઈ ગયા હતા. જેમાંથી ૪૨૫થી વધુ તળાવ ઓવરફ્લો પણ થયા હોવાનું નોંધાયું હતું. 

આણંદ જિલ્લામાં હાલ સિંચાઈ માટે ૫,૬૦૦થી વધુ બોરકૂવાઓ દ્વારા ખેડૂતો સિંચાઈ કરે છે. ગત વર્ષે તમામ બોર કૂવામાં ૧૦થી ૧૫ મીટરથી પણ નીચે જળસ્તર ઘટી ગયું હતું. ચાલુ વર્ષે જિલ્લાભરના તમામ બોરકુવાના જળસ્તર ૧૨થી ૧૮ મીટર સુધી ઉપર આવી ગયા છે. જેને કારણે આવનાર આખા વર્ષમાં સિંચાઈ માટે બોરકૂવાના પાણીની તકલીફ નહીં પડે તેવું આણંદ જિલ્લા જળ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. 

જળસ્તર ઊંચા આવવાથી કૂવાના પાણીની મોટરોનું વીજળી બિલ પણ ઓછું આવશે તેવું બોરકૂવાના માલિકો જણાવી રહ્યા છે. બીજી બાજુ ૪૨૫થી વધુ તળાવો હાલ ભરેલા હોવાથી ગામડાઓમાં   પશુઓ માટે આખું વર્ષ પીવાના પાણીની તકલીફો પણ નહીં પડે તેવું જાણવા મળ્યું છે.

 આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુરમાં દરિયો નજીક હોવાને કારણે દરિયાના પાણી ભૂગર્ભ જળમાં ઘૂસી જવાને કારણે પાણીમાં ખારાશ વધી રહી છે. જેથી ખંભાત અને તારાપુર વિસ્તારમાં ખેતી લાયક જમીનમાં ખારાસ વધી જતા ખેત પેદાશોનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. જિલ્લામાં ભૂગર્ભ જળની સૌથી વધુ સારી સ્થિતિ આંકલાવ, બોરસદ અને પેટલાદમાં જોવા મળી રહી છે. 

મહીસાગર નદી પરના ચેકડેમને કારણે આ વિસ્તારમાં ભૂગર્ભજળ વધ્યું હોવાનું માનવામાં આવે છે.


Google NewsGoogle News