Get The App

આણંદ જિલ્લામાં ગરમીનો પારો ફરી 41.2 ડિગ્રીએ પહોંચ્યો

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં ગરમીનો પારો ફરી 41.2 ડિગ્રીએ પહોંચ્યો 1 - image


- આકરી ગરમીમાં લોકો સેકાયા, બપોરે રસ્તા સૂમસામ

- દિવસે અંગ દઝાડતી ગરમી અને રાત્રે અસહ્ય બફારા વચ્ચે લોકો પરેશાન

આણંદ : આણંદ જિલ્લામાં આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ચાલુ સપ્તાહના પ્રારંભે મહત્તમ તાપમાનનો પારો નીચો જતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત અનુભવી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાયો છે અને આજે જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડી.સે.થી ઉપર જતા જિલ્લાવાસીઓ પુનઃ એકવાર આકરી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.

ચાલુ વર્ષે મે માસના પ્રારંભથી જ ગરમીની શરૂઆત થઈ હતી અને મધ્યગાળામાં  સૂર્યદેવતાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેમાંય મે માસના અંતિમ ગાળામાં તો સૂર્ય દેવતાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી. 

લગભગ પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડી.સે.ની આસપાસ રહેતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીના કારણે આકુળવ્યાકુળ બની ગયા હતા. જો કે જૂન માસના પ્રારંભ સાથે આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને સાંજના સુમારેથી લઈ રાત્રિ દરમ્યાન ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં મહદઅંશે ઘટાડો નોંધાયો હતો.  ચાલુ સપ્તાહના પ્રારંભમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડી.સે.ની નીચે રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત અનુભવી હતી. જો કે છેલ્લા બે દિવસથી પુનઃ એકવાર મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે. ધીમે ધીમે ગરમીમાં વધારા સાથે આજે મહત્તમ તાપમાનનો પારો ૪૧.૨ ડી.સે. સુધી પહોંચી જતા જિલ્લાવાસીઓએ ફરીથી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો છે.  

બપોરના સુમારે અંગ દઝાડતી ગરમીના કારણે રસ્તાઓ ઉપર લોકોની અવરજવર ઓછી જોવા મળે છે. ઉનાળાની વિદાયના ટાણે પણ નોકરી ગરમીના કારણે જિલ્લાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. જો કે બે દિવસ પૂર્વે જ મુંબઈમાં વરસાદનું આગમન થયેલ હોઈ ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ બે થી ત્રણ દિવસમાં મેઘરાજાની પધરામણી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


Google NewsGoogle News