આણંદ જિલ્લામાં દશેરા પર્વે લોકોએ એક કરોડના ફાફડા અને જલેબીની જ્યાફત માણી
આણંદ : આણંદ જિલ્લામાં દશેરાના દિવસે વહેલી સવારથી જ ફાફડા-જલેબી માટે ગ્રાહકોની ભીડ જામી હતી. અંદાજે રૂ. ૧ કરોડના ફાફડા-જલેબી જિલ્લાવાસીઓએ આરોગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વિજયા દશમીના પર્વે ફાફડા-જલેબીનું ખાસ મહત્વ છે. ત્યારે આણંદ, વિદ્યાનગર સહિત જિલ્લાભરમાં દશેરાના ચાર દિવસ અગાઉથી જ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દશેરાના દિવસે સવારથી જ ફરસાણની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામી હતી. જેને લઈ દુકાનોમાં વેઈટિંગ ચાલતું હતું. આણંદ અને વિદ્યાનગરમાં બપોરના બે વાગ્યા બાદ ફાફડાનો સ્ટોક ખૂટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આણંદમાં ફરસાણની દુકાનના સંચાલકે જણાવ્યું હતું કે, જિલ્લામાં અંદાજે ૨૦ હજાર કિલોથી વધુ ફાફડા અને ૬ હજાર કિલો જલેબી વેચાઈ હતી. અંદાજે એક કરોડથી વધુના જલેબી-ફાફડા જિલ્લા વાસીઓએ આરોગ્યા હોવાનું ઉમેર્યું હતું.