આણંદ શહેરમાં નગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ કરી
- દબાણો હટાવાયા બાદ જૈસે-થે સ્થિતિ સર્જાશે કે કેમ?
- 7 દિવસમાં સ્વેચ્છાએ દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરવાની પાલિકાએ તાકીદ કરી
આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ જાહેર રોડની આસપાસ, ફૂટપાથ ઉપર લારી-ગલ્લા ખાણીપીણીના સ્ટોલ, કાચાપાકા ઓટલા તેમજ નગર રચના યોજનામાં પાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટો ઉપર ગેરકાયદેસર કાચાપાકા ઝૂંપડાના દબાણો ધરાવતા હોય તેઓને પોતાની રીતે ૭ દિવસમાં દબાણો દૂર કરવા આણંદ પાલિકાના સત્તાધીશોની યાદીમાં જણાવાયું છે. આ સમયગાળા દરમ્યાન ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહિ આવ્યો હોય તો ત્યાર બાદ પાલિકા દ્વારા પોલીસતંત્રને સાથે રાખી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આણંદ શહેરના જૂના બસ મથક વિસ્તાર, સુપર માર્કેટ તથા ટૂંકી ગલી સહિતનો આસપાસનો વિસ્તાર વર્ષોથી ગેરકાયદેસર દબાણથી ઘેરાયેલો છે. ભૂતકાળમાં અનેક વાર ટૂંકી ગલીમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે પરંતુ ગણતરીના દિવસોમાં જ પરિસ્થિતિ પુનઃ જૈસે-થે થઈ જવા પામે છે. ત્યારે આ વખતનો દબાણ હટાવ ઝુંબેશથી દબાણોની સમસ્યા કાયમી રીતે હલ થાય તેવી લોક માંગણી છે.