આણંદ શહેરમાં આડેધડ રોડ ખોદી કઢાતા વાહનચાલકો પરેશાન
- ગેરકાયદે ગટર લાઇનના જોડાણની બદી વકરી
- પાલિકાની મંજૂરી લીધા વગર ગટર જોડાણો બારોબાર લેવાઇ રહ્યા છે
આણંદ શહેરના પૂર્વ પટ્ટી સહિતના વિવિધ વિસ્તારોમાં કેટલાક બિલ્ડરો દ્વારા જાહેર માર્ગ ઉપર ખોદકામ કરી આડેધડ ગટર લાઈનના જોડાણ કરવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે. નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા વીના તેમજ માર્ગ મકાન વિભાગની પણ પરવાનગી વિના જ કેટલાક બિલ્ડરો દ્વારા જાહેર માર્ગ ઉપર ખોદકામ કરવામાં આવે છે. પાલિકાના કેટલાક ભ્રષ્ટ સત્તાધીશોના છૂપા આશિર્વાદથી રાતોરાત ખોદકામ કરી ગટર લાઈનનું કનેક્શન જોડી દેવામાં આવે છે. જો કાયદેસર ગટર લાઈનનું જોડાણ આપવામાં આવે તો તે અંતર્ગત પાલિકામાં ફી ભરવાની હોય છે પરંતુ કેટલાક સત્તાધીશોની મનમાનીના કારણે પાલિકાને આવક ગુમાવવાનો વારો આવ્યો છે.
ગટર લાઈનના જોડાણ માટે જાહેર માર્ગ ઉપર પાઈપ લાઈન નાંખવા માટે માર્ગ મકાન વિભાગની પણ કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવતી નથી અને ખાડા ખોદ્યા બાદ તેનું યોગ્ય પુરાણ ન થતા વિવિધ માર્ગો ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થનાર છે ત્યારે આવા ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતા ભુવા પડવાની પણ શક્યતાઓ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.