આણંદ શહેરમાં અઠવાડિયામાં 102 રખડતા ઢોર પાંજરે પૂરાયા
- કલેક્ટરના આદેશથી પાલિકા તંત્ર દોડતું થયું
- મંગળવારે પકડાયેલા વધુ 22 ઢોરોને ખંભાત પાંજરાપોળમાં મોકલી અપાયા
આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આણંદ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર રોજ રખડતા ઢોરના અડિંગાથી વાહન ચાલકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો રોજ હાલાકી ભોગવી રહ્યા છે.
બીજી તરફ રખડતા ઢોરના યુદ્ધના લીધે લોકોને અડફેટે લેતા નાની- મોટી ઈજાઓ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જે સંદર્ભે તેને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવા જિલ્લા કલેક્ટરે સૂચનાઓ આપતા આણંદ નગરપાલિકા તંત્ર દોડતું થયું છે. ત્યારે અઠવાડિયાથી રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ પાલિકાએ શરૂ કરી છે. જ્યારે મંગળવારે આણંદ નગરપાલિકાની ટીમે વધુ ૨૨ જેટલી ગાયો પકડીને ખંભાત પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે. ગત દિવસોમાં આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા આણંદ નગરપાલિકા શહેરી વિસ્તારમાંથી ૧૦૨ જેટલા રખડતા ઢોર, ગાયો પકડીને ગૌશાળા ખાતે મોકલવામાં આવી છે.