Get The App

ગરમીનો પ્રકોપ વધ્યો : આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ગરમીનો પ્રકોપ વધ્યો : આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર 1 - image


- 45 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનને લઇને લોકો પરેશાન

- કાળઝાળ ગરમીના કારણે હીટસ્ટ્રોક તેમજ પેટમાં દુઃખાવાની ફરિયાદો વધી

આણંદ : છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. આજે સોમવારે પણ બપોરના સુમારે મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડી.સે.ની આસપાસ રહેતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. હજી આગામી પાંચ દિવસ ગરમીમાંથી ખાસ રાહત નહીં મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સમગ્ર આણંદ જિલ્લામાં આકરી ગરમી વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગરમીના કારણે જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. છેલ્લા ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં બપોરના સુમારે ગરમીનો પારો ૪૫ ડી.સે. સુધી પહોંચી જાય છે. જિલ્લામાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળતા સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી રહી છે. બપોરના સુમારે વિવિધ રાજમાર્ગો સૂમસામ ભાસી રહ્યાં છે. ગરમીના કારણે પશુ-પંખી ઉપર પણ વિપરીત અસર પહોંચી છે. કાળઝાળ ગરમીના કારણે હીટ સ્ટ્રોકના બનાવોમાં પણ વધારો નોંધાયો છે. સાથે સાથે પેટમાં દુઃખાવા સહિતની ફરિયાદોના દર્દીઓ પણ વધ્યા છે. આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં ગરમીના કારણે દર્દીઓની સંખ્યા વધવા પામી છે. આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો આઈસ્ક્રીમ, ઠંડા પીણા, આઈસગોલા સહિતની ચીજવસ્તુઓનો સહારો લઈ રહ્યાં છે. તો બીજી તરફ બપોરના સુમારે અગત્યના કામકાજથી બહાર નીકળતા ટુવ્હીલર ચાલકોને ફરજીયાતપણે માસ્ક, ટોપી, બુકાની પહેરવાનો વારો આવ્યો છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવાર બપોરના સુમારે મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડી.સે.ની આસપાસ નોંધાયો હતો. આગામી પાંચ દિવસ માટે આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી હજી પણ જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આગામી તા.૨૪મી સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ સુધી ૪૩ ડિગ્રીથી ૪૫ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે. જેને લઈ આગામી પાંચ દિવસ નાગરિકોને કારણ વિના ગરમીમાં બહાર ન જવા અને વધુમાં વધુ પાણી પી હિટ સ્ટ્રોકથી બચવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી આણંદ જિલ્લામાં ઉનાળો આકરો બન્યો છે અને હવામાન વિભાગ દ્વારા આજે આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા ગરમીનું પ્રમાણ હજી વધવાની શક્યતા છે. કાળઝાળ ગરમી વચ્ચે ગત સપ્તાહે આણંદ જિલ્લામાં હાઈ ફીવરના કુલ-૯ કેસ નોંધાયા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ગરમીના કારણે ૧૦૮ સેવાને મળતા કોલમાં વધારો નોંધાયો છે. રોજેરોજ ગરમીને લગતા કેસોના કોલ આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News