આણંદ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત્ 43.5 ડિગ્રીએ કરફ્યું જેવો માહોલ
- સવારે 8 વાગ્યાથી આકરો તાપ પડી રહ્યો છે
- બપોરે ગરમી વધતાં રસ્તાઓ સૂમસામ બન્યા મોડી સાંજે પણ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૩.૫ ડી.સે. અને લઘુત્તમ તાપમાન ૨૮.૫ ડી.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૫૯% અને પવનની ઝડપી ૫.૭ કિ.મી./કલાક નોંધાઈ હતી અને સૂર્યપ્રકાશ ૧૧.૩ નોંધાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં ગરમીનું મોજું યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગત સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવા સાથે રાજ્યના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો. આણંદ જિલ્લામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી કેટલેક અંશે રાહત મેળવી હતી. જો કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાની સાથે જ છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો નોધાઈ રહ્યો છે. રવિવારના રોજ તાપમાનનો પારો ૪૩.૫ ડી.સે. નોંધાતા સમગ્ર જિલ્લામાં હીટવેવ ફરી વળી છે. છેલ્લા બે દિવસથી સૂર્યદેવતા આકાશમાંથી અગનગોળા વરસાવતા નાગરિકોએ આકરી ગરમીનો અનુભવ કર્યો છે. ખાસ કરીને બપોરના સુમારે નાગરિકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. હાલ પડી રહેલ ગરમીને લઈ રહેણાંક વિસ્તારો, સોસાયટીની આસપાસમાં પશુ-પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા પશુપ્રેમીઓ દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે.