ખંભળોજ ગામમાં સરદાર આવાસ યોજનામાં વીજ જોડાણ ના મળતા હાલાકી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ખંભળોજ ગામમાં સરદાર આવાસ યોજનામાં વીજ જોડાણ ના મળતા હાલાકી 1 - image


- 13 વર્ષથી વીજળી ના મળતી હોવાનો સ્થાનિકોનો દાવો

- વર્ષ- 2010 માં ફાળવેલા ૬૫ આવાસોમાં તંત્રને અનેક રજૂઆત છતાં ઉકેલ ના આવતો હોવાનો રહિશોનો આક્ષેપ

આણંદ : આણંદ તાલુકાના ખંભોળજ ગામે સરદાર આવાસ યોજનામાં લોલમલોલ વહીવટ ચલાવવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા છે. આશરે ૧૩ વર્ષ પૂર્વે ખંભોળજ ખાતે બનેલા સરદાર આવાસ યોજના હેઠળ આવાસોને વીજ જોડાણ ન મળતા અનેક પરિવારોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે.

ખંભોળજ ગામે રહેતા અને સરદાર આવાસમાં જેઓને આવાસ ફાળવવામાં આવ્યું છે તેવા વિજયકુમાર પૂંજાભાઈ પરમાર દ્વારા સરદાર આવાસમાં વીજ જોડાણ ન મળવા અંગે છેલ્લા દસેક વર્ષથી સ્થાનિક તેમજ ઉચ્ચકક્ષાએ અનેકવાર  લેખિત-મૌખિક રજુઆતો કરવામાં આવી છે પરંતુ આવાસની ફાળવણી થયાને ૧૩ વર્ષ વીતવા છતાં અનેક પરિવારો વીજ જોડાણથી વંચિત રહેવા પામ્યા છે. 

ખંભોળજમાં સરદાર આવાસ યોજનાના આ ભાગમાં કુલ ૬૫ આવાસોની વર્ષ ૨૦૧૦માં ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકીના ૫૫ આવાસો હાલ ખાલીખમ છે. ત્યાં વસતા પરિવારોને વીજળીની સુવિધા ન મળતા તેઓ દિવાબત્તી અથવા તો સોલર પેનલના સહારે અંધકાર દુર કરી રહ્યા છે તેવું રહિશોએ જણાવ્યું છે. ઉપરાંત આવાસના લાભાર્થીઓને આવાસના પુરતા દસ્તાવેજી પુરાવા ન મળતા વીજ જોડાણ મળી શકતું નથી. 

અરજદાર દ્વારા પંચાયતના શાસકોથી લઈ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબો આપી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી ન કરાતી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે. પંચાયતના માજી સરપંચો દ્વારા પણ આ મામલે ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.

જમીન ફાળવણી વિના આવાસનું બાંધકામ કરાયું હોવાનો તંત્રનો દાવો 

આ અંગે પંચાયતના તલાટી કમ મંત્રી અનિષાબેન સાથે ટેલીફોનીક વાતચીત  કરતા તેઓએ જણાવ્યું હતું કે, જમીન ફાળવણી વિના જ સરદાર આવાસનું બાંધકામ કરવામાં આવ્યું છે. આવાસોની જમીનની સનદ ન મળતા કેવી રીતે મકાનો બન્યા તેની જાણ નથી. હું જે-તે સમયે પંચાયતમાં હતી નહીં. જેથી સનદો ન મળતા આ અંગે પંચાયતમાં તપાસ કરાઈ હતી અને તાલુકા પંચાયતમાંથી સનદ મળતા તેમાં જોતા ઠરાવ પણ ન હતો અને સનદ ઉપર સહી પણ ન હતી. જેથી જમીન આપવાની પ્રક્રિયાનો છેદ ઉડયો હોવાનું લાગી રહ્યું છે. આ અંગે તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.


Google NewsGoogle News