હેપ્પી બર્થ ડે વિદ્યાનગર આજે 79 મી વર્ષગાંઠ ઉજવાશે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
હેપ્પી બર્થ ડે વિદ્યાનગર આજે 79 મી વર્ષગાંઠ ઉજવાશે 1 - image


- વર્ષ 1946 માં શ્રમજીવીએ પ્રથમ ઈંટ મુકી હતી

- સરદાર પટેલની પ્રેરણાથી ભાઇકાકા, ભાઇલાલભાઇએ ગામડામાં શિક્ષણનગરી ઉભી કરી દીધી

આણંદ : શિક્ષણનગરી તરીકે સુવિખ્યાત વલ્લભવિદ્યાનગરને આજે ૭૯ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૧૯૪૬માં તા.૩જી માર્ચે  સરદાર પટેલની પ્રેરણાથી ભાઈકાકા અને ભાઈલાલભાઈએ ચારુતર વિદ્યામંડળની સ્થાપના કરી વલ્લભવિદ્યાનગરનો પાયો નાખ્યો હતો. વલ્લભવિદ્યાનગરના શાસ્ત્રી મેદાન નજીક જે સ્થળે ઐતિહાસિક આમ્રવૃક્ષ આવેલું છે, તે જગ્યા ખાતે વલ્લભવિદ્યાનગરના નિર્માણની પહેલી ઈંટ મુકાઈ હતી. 

ભાઈકાકાએ આ જગ્યા પસંદ કરી હતી. આજે વિદ્યાનગર ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વિકસી છે, જેનો શુભારંભ આ સ્થળેથી જ થયો હતો. સરદાર પટેલે ભાઈકાકાને કહ્યું હતું કે, ભાઈલાલ, આપણે શહેરો માટે ઘણું કામ કર્યું, હવે ગામડામાં જઈ ગ્રામ્ય પ્રજાને ઉચ્ચશિક્ષણની સુવિધાઓ, તેમનું આર્થિક ઉત્થાન થાય તે માટે કંઈક કરો. 

આ બોલ ભાઈકાકાએ ઝીલી લીધો અને શિક્ષણવિદ્ ભીખાભાઈ  સાથે મળી વર્ષ ૧૯૪૫માં ચારુતર વિદ્યામંડળની સ્થાપના કરી હતી.બાકરોલ, કરમસદ, આણંદ, મોગરીના દાતાઓ તરફથી દાનમાં મળેલી જમીન ઉપર એક પછી એક નવી સંસ્થાઓ સ્થપાતી ગઈ અને આ બેલડીએ ૧૦ વર્ષમાં સરકારની મંજુરી મેળવી વિદ્યાપીઠ પણ સ્થાપી હતી.

સોજિત્રાના વતની અને કુશળ ઈજનેર ભાઈલાલભાઈ પટેલ તેમજ કરમસદના વતની અને  કેળવણીકાર ભીખાભાઈ પટેલ વિદ્યાનગરના આદ્યસર્જકો હતા. અહીંની પ્રથમ શિક્ષણ સંસ્થાના પાયામાં પહેલી ઈંટ સમાજના છેવાડાના ગણાતા એક અદના શ્રમજીવીએ મુકી હતી. 

રાજ્યની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાનગરમાં સ્થપાઈ હતી

વલ્લભવિદ્યાનગરની સ્થાપનાની ખાતમુહૂર્ત વિધિ તા.૧૩ ફેબુ્રઆરી, ૧૯૪૯ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુના હસ્તે થઈ હતી. સરદાર સાહેબે વલ્લભવિદ્યાનગર ખાતે એન્જિનીયરિંગ કોલેજની સ્થાપનાનું સ્વપ્ન જોયું હતું. ભાઈકાકાએ એન્જિનીયરિંગ કોલેજ માટે તૈયારીઓ શરૂ કરી હતી. આ અરસામાં અમદાવાદમાં પણ એન્જિનીયરિંગ કોલેજની સ્થાપનાની હિલચાલ ચાલતી હતી. વિદ્યાનગર ખાતે નિર્માણ પામનારી એન્જિનીયરિંગ કોલેજ માટે દાતા તરફથી દાન મળતા રાજ્યની સૌપ્રથમ એન્જિનીયરિંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની વિદ્યાનગર ખાતે સ્થાપના થઈ હતી.

ચારુતર વિદ્યામંડળ દ્વારા કાર્યક્રમ યોજાશે

વલ્લભવિદ્યાનગર સ્થાપના દિન નિમિત્તે દર વર્ષે ચારુતર વિદ્યામંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યામંડળની ભગીની સંસ્થાઓ ચરોતર ગ્રામોધ્ધાર સહકારી મંડળ અને ચારુતર આરોગ્ય મંડળના પ્રતિનિધિઓ, શિક્ષણ ગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વલ્લભવિદ્યાનગરના નાગરિકોની હાજરી હોય છે. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત ૫૦ જેટલી શિક્ષણ સંસ્થાઓના જે વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાએ ઉપલબ્ધી મેળવી હોય તેમને પુરસ્કૃત કરવામાં આવે છે તથા ભુતપૂર્વ નિવૃત કર્મચારીઓ અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવે છે.

ગામડા માટે બનાવેલી યોજનાનું કેન્દ્ર વલ્લભવિદ્યાનગર નક્કી કરાયું

વિદ્યાનગરની સ્થાપનાના પાયામાં રહેલા ભાઈકાકા પચ્ચીસ વર્ષની સરકારી નોકરી છોડી સરદાર પટેલના કહેવાથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા અને બે વર્ષ બાદ નિવૃત્તિ લઈ અમદાવાદને અલવિદા કરી ગામડાની સેવા માટે તેમણે આણંદને મુખ્ય મથક બનાવ્યું હતું. ભાઈકાકાએ ગામડા માટે બનાવેલી યોજનાનું કેન્દ્ર વલ્લભવિદ્યાનગર નક્કી કર્યું હતું અને તેમણે આ જ સંદર્ભમાં આપેલી એક નોંધનો અંગ્રેજ સરકારે પ્રકાશિત કરેલા બ્લુ બુકમાં સમાવેશ પણ થયો હતો.


Google NewsGoogle News