આણંદ જિલ્લામાં મંગળવારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં મંગળવારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે 1 - image


- હનુમાન જ્યંતિને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ

- હનુમાનજીના મંદિર લાંભવેલ ખાતે આરતી, મારુતિ યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરના મંદિરોમાં મંગળવારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના અનન્ય ભક્ત હનુમાનજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે  ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિ નિમિત્તે આણંદ જિલ્લાના હનુમાનજીના મંદિરમાં મારૂતિયજ્ઞા, સુંદરકાંડ, બજરંગ બાણના પાઠ, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આણંદ પાસે લાંભવેલ ગામ નજીક આવેલ સુપ્રસિદ્ધ લાંભવેલ હનુમાનજી મંદિરે મંગળવારના રોજ હનુમાન જયંતીની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવશે. જેનો લાભ લેવા ચરોતર પંથક તેમજ અન્ય જિલ્લામાંથી પણ હનુમાન દાદાના ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. આ પ્રસંગે પ્રાતઃ આરતી સવારે ૫-૩૦ કલાકે થશે, ધ્વજા પતાકા સવારે ૧૦-૦૦ કલાકે ,  હનુમાન જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ સવારે ૮-૦૦ કલાકે લાંભવેલથી નીકળી ૧૧-૩૦ કલાકે નિજમંદિરે પધારશે. મારૂતિ યજ્ઞાનો પ્રારંભ સવારે ૯-૦૦ કલાકે, ધ્વજા પતાકા આરોહણ સવારે ૧૦-૦૦ કલાકે તેમજ બપોરે ૧-૦૦ વાગ્યે મારૂતિ યજ્ઞાની પુર્ણાહૂતિ થશે. મધ્યાહન આરતી બપોરે ૧૨-૦૦ કલાકે તેમજ સાયં આરતી સાંજે ૭-૧૫ કલાક દરમ્યાન યોજાનાર છે, સુંદરકાંડ સાંજના ૪-૦૦ કલાકે, રાત્રે ૧૧-૩૦ કલાકે મંદિરના દ્વાર બંધ થશે.

ચૈત્રી પૂનમ, મંગળવારના રોજ હનુમાન જયંતીએ ચરોતર પંથકમાં ચિરંજીવ દેવ બજરંગબલીની આરાધના કરવા વિવિધ મારૂતીધામોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. આણંદ સ્થિત શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જન્મોત્સના દિને પ્રાતઃ ૪-૩૦ કલાકે મંગળા આરતી, ૬-૧૫ થી ૬-૪૫ દરમ્યાન ષોડશોપચાર પૂજન અને પંચામૃતથી અભિષેક, સવારે ૭-૩૦ કલાકે શણગાર આરતી બાદ  મારૂતિ યજ્ઞાનો પ્રારંભ થશે, સાંજે ૫-૩૦ કલાકે યજ્ઞાની પૂર્ણાહૂતિ તથા મહારાજશ્રી સહિત બ્રહ્મનિષ્ઠ સંતો આશિર્વાદ પાઠવશે. સાંજે ૭ કલાકે સંધ્યા આરતી તેમજ ૧૧-૩૦ કલાકે શયન આરતી થશે.

મહીસાગર સંગમ તીર્થ વેરાખાડી ખાતે અખંડ રામધૂન, મારૂતિયજ્ઞા, સુંદર કાંડ અને હનુમાન ચાલીસાના પાઠ થશે. પવનપુત્ર હનુમાનજીને પીળા રંગના નૈવેદ્ય કેળા, બુંદી, ખમણ, બુંદીના લાડુ અર્પણ કરી પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવશે. આ ઉપરાંત કુંજરાવ ચોકડી ખાતે આવેલ હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞા, સુંદરકાંડ, બજરંગ બાણના પાઠ, સુંદરકાંડ મંડળ કુંજરાવ દ્વારા કરવામાં આવશે. 


Google NewsGoogle News