બોરસદના પીપળી ગામે જૂથ અથડામણ, 12 જણાને ઇજા
- વોટ્સએપમાં અપશબ્દોવાળું રેકોર્ડિંગ મોકલવા બાબતે મામલો બિચક્યો
- ધારિયા ઉછળ્યા, પથ્થરમારો થયો, બે જણાની હાલત નાજુક
બોરસદ તાલુકાના પીપળી ગામે મુખીવાળા ફળીયામાં રહેતા આસિકઅલી કાસમઅલી સૈયદના મોબાઈલમાં પઠાણવાડામાં રહેતા ફરહાનખાન ઈરફાનખાન પઠાણે અપશબ્દો બોલતો વોઈસ રેકોર્ડિંગ મેસેજ મોકલ્યો હતો. જેથી તેના ઘરે ઠપકો આપવા જતા ઈરફાન ખાને ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કરી માથાના ભાગે ધારીયું મારી દીધું હતું.
સાથે સાથે લાકડી વડે માર માર્યો હતો.
ઉપરાંત રાહીલખાને અને આમીર ઉર્ફે ઝીણાએ પણ આસીકઅલી તેમજ ઝઘડામાં વચ્ચે પડનાર ઈકબાલઅલી હઝરતઅલી સૈયદને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. શરીક ઉર્ફે મુસાએ રીયાઝઅલી સૈયદને ધારીયું મારી ઈજાઓ પહોંચાડી હતી અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે ઈરફાનખાન કરીમખાન પઠાણે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ આસીકઅલી કાસમઅલી સૈયદ, અખ્તરઅલી સૈયદઅલી સૈયદ, અયુબખાન રહીમખાન પઠાણ, ઝુબેરખાન અનવરખાન પઠાણ, ઈકબાલઅલી હઝરતઅલી સૈયદ, સકીલઅલી હઝરતઅલી સૈયદ, રીયાઝઅલી અશરફઅલી સૈયદ અને સાયરાબાનુ ઐયુબખાન પઠાણ હાથમાં ધારીયા તથા લાકડીઓ લઈને તેઓના ઘરે આવી પહોંચ્યા હતા અને આશીકઅલીએ ઈરફાનખાનને ધારીયું મારી દેતા તે લોહીલુહાણ થઈ ગયા હતા.
જ્યારે અખ્તરઅલીએ લાકડી વડે માર માર્યો હતો. આ ઝઘડામાં વાહીદ ઉર્ફે ફરહાન વચ્ચે પડતા તેને ઈકબાલ અલીએ લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી. આશીકઅલીએ માથામાં લાકડી મારી હતી જ્યારે રીયાઝઅલીએ વાહીદને પકડી રાખ્યો હતો અને શકીલઅલીએ લાકડીનો ફટકો મારી ઈજાઓ પહોંચાડી હતી. નઝમાબાનુ અને શાહીસ્તાબાનુ વચ્ચે પડતા તેઓને સાયરાબાનુએ ગડદાપાટુનો માર માર્યો હતો જ્યારે ઝુબેરખાને પથ્થરમારો કર્યો હતો.