Get The App

આણંદના ઉમરીનગર વિસ્તારમાંથી રૂ. 2.30 લાખની કિંમતના ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા

Updated: May 13th, 2024


Google NewsGoogle News
આણંદના ઉમરીનગર વિસ્તારમાંથી રૂ. 2.30 લાખની કિંમતના ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા 1 - image


- મકાન ભાડે રાખી ચોરી છુપીથી ગાંજો વેચતા હતા

- 21 કિલોથી વધુનો ગાંજો જપ્ત કરાયો, એફએસએલની ટીમે ચકાસણી કરી ગાંજો હોવાનું રિપોર્ટ આપ્યા બાદ કાર્યવાહી

આણંદ : આણંદ શહેર પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે ગઈકાલ મધ્ય રાત્રિના સુમારે શહેરના પૂર્વ વિસ્તારના ઉમરીનગર ખાતે એક રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી બે શખ્સોને ૨૧.૮૨૦ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે કુલ્લે રૂા.૨.૩૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈશાક ઉર્ફે બાબાકીધૂમ ભીખાભાઈ ખલીફા નામનો શખ્સ આણંદ ઉમરીનગર કબ્રસ્તાન પાસેના મીના પાર્કમાં મકાન ભાડે રાખી ચોરી છૂપીથી ગાંજાનું વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી. 

મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે ગઈકાલ મધ્ય રાત્રિના સુમારે મીના પાર્ક-૨ સોસાયટીમાં આવેલ બાતમીવાળા મકાન ખાતે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસે રહેણાંક મકાનમાંથી મળી આવેલ શખ્સના નામ ઠામ અંગે પૂછતા ઈશાક ઉર્ફે બાબાકીધૂમ ભીખાભાઈ ખલીફા હોવાનું જણાવ્યું હતું અને આ મકાન આરીફભાઈ અહેમદભાઈ વહોરા પાસેથી ભાડે રાખી પોતે તથા દિકરો ઈમરાન રહેતા હોવાનું તેણે ઉમેર્યું હતું. 

દરમ્યાન મકાનમાંથી અન્ય એક શખ્સ પણ મળી આવ્યો હતો. જેના નામ ઠામ અંગે પૂછતા તે સોયેબ ઉર્ફે પપ્પુ મહેબુબ ચાંદ મિરાસી (મૂળ રહે.જંબુસર) હોવાનું જણાવ્યું હતું. છેલ્લા દોઢેક મહિનાથી તે ઈશાક સાથે રહી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રહેણાંક મકાનમાં તપાસ કરતા એક રૂમમાંથી એક કાપડનો થેલો તથા મીણીયાની કોથળી મળી આવી હતી. 

પોલીસે બંનેમાં તપાસ કરતા અંદર વનસ્પતિજન્ય ગાંજા જેવો શંકાસ્પદ પદાર્થ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જેથી પોલીસે તુરત જ એફએસએલની ટીમને જાણ કરતા એફએસએલની ટીમ નારકોટીક્સ કીટ સાથે આવી પહોંચી હતી અને તપાસ કરતા મળી આવેલ જથ્થો ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું.  પોલીસે બંને થેલામાંના માદક પદાર્થ ગાંજાનું વજન કરતા કુલ ૨૧.૮૨૦ કિ.ગ્રા. જેટલું થયું હતું જેની અંદાજિત કિં.રૂા.૨૧૮૨૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે લઈ ઈશાક ઉર્ફે બાબાકીધૂમ ખલીફા તથા સોયેબ ઉર્ફે પપ્પુ મિરાસીને ઝડપી પાડી ગાંજો, વજનકાંટો, મોબાઈલ ફોન તથા રોકડ મળી કુલ્લે રૂા.૨૩૭૯૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ઈશાક ખલીફાની વધુ પૂછપરછ કરતા તે તથા તેનો દિકરો ઈમરાન ખલીફા સાથે મળી ગાંજાનું વેચાણ કરતા હોવાનું અને આ ધંધામાં સોયેબ ઉર્ફે પપ્પુ ગાંજાનો જથ્થો સાચવવા તથા લાવવા-લઈ જવાનું કામ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઈમરાન ખલીફાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News