આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 8.99 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 8.99 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


- નશાખોરીએ માઝા મુકી, 34.34 લાખના નશીલા પદાર્થો જપ્ત

- દારૂબંધી, નશીલા પદાર્થો પર પ્રતિબંધ છતાંય કરોડો રૂપિયાનો ચાલતો વેપલો

આણંદ : આણંદ જિલ્લામાંથી વીતેલા બે વર્ષ દરમ્યાન ગાંજો, પોશડોડા, એમ.ડી., ચરસ, અફીણ તથા કોડીન સીરપનો ૩૪.૩૪ લાખ ઉપરાંતનો જથ્થો તેમજ રૂા.૮.૯૯ કરોડ ઉપરાંતનો  વિદેશી દારૂ તથા ૩૯.૯૯ લાખ ઉપરાંતનો બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર રહી હોવાનો સુર પ્રજાજનોમાં વ્યાપ્યો છે.

વધુમાં મળતી માહિતી મુજબ યુવાધન નશીલા પદાર્થોથી દુર રહે તે માટે રાજ્ય સરકાર અનેકવિધ અભિયાનો હાથ ધરવા સાથે આવા પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગત જાન્યુઆરી, ૨૦૨૨ થી ડિસેમ્બર, ૨૦૨૨ દરમ્યાન આણંદ જિલ્લામાંથી ૪૧.૮૧૪ ગ્રામ એમ.ડી. અંદાજિત કિંમત રૂા.૪.૧૮ લાખ, ૫૦.૭૬૫ ગ્રામ ગાંજો અંદાજિત કિંમત રૂા.૫.૦૭ લાખ અને ૨૬૩.૬૦૫ કિલો પોશડોડા અંદાજિત કિંમત રૂા.૭.૯૯ લાખનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. સાથે સાથે વર્ષ ૨૦૨૨ દરમ્યાન વિદેશી દારૂની ૧૩૪૭૩૨ બોટલ અંદાજિત કિંમત રૂા.૩.૨૩ કરોડ અને બિયરની ૧૦૭૮૩ બોટલ અંદાજિત કિંમત રૂા.૧૧.૧૬ લાખ પણ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોએ ઝડપાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

બીજી તરફ વર્ષ ૨૦૨૩ દરમ્યાન વર્ષ ૨૦૨૨ની સરખામણીએ નશીલા પદાર્થોની હેરાફેરીમાં વૃધ્ધિ જોવા મળી હતી અને જાન્યુઆરી, ૨૦૨૩ થી ડિસેમ્બર, ૨૦૨૩ દરમ્યાન ૩૧.૧૬૫ ગ્રામ ગાંજો અંદાજિત કિંમત રૂા.૩.૦૨ લાખ, ૧૮.૨૪૮ કિલો પોશડોડા અંદાજિત કિંમત રૂા.૬૯ હજાર ૫૩.૧૪ ગ્રામ એમ.ડી. અંદાજિત કિંમત રૂા.૫.૩૧ લાખ, ૧૬.૪૩૦ ગ્રામ ચરસ, ૬૫.૫૧૯ ગ્રામ અફીણ અંદાજિત કિંમત રૂા.૬.૬૩ લાખ અને ૯૬૦ નંગ કોડિનની બોટલ અંદાજિત કિંમત રૂા.૧.૩૯ લાખનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. સાથે સાથે વર્ષ ૨૦૨૩ દરમ્યાન વિદેશી દારૂની ૨૮૬૬૫૩ બોટલ અંદાજિત કિંમત રૂા.૫.૭૫  કરોડ તથા બિયરની ૨૮૦૯૭ બોટલ અંદાજિત કિંમત રૂા.૨૮.૮૩ લાખનો જથ્થો પણ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકો ખાતે ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

11 હજારથી વધુ લોકોની ધરપકડ, 90 વોન્ટેડ

આણંદ જિલ્લામાંથી વીતેલા બે વર્ષ દરમ્યાન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી તેમજ જિલ્લામાં પ્રવેશતા દારૂના જથ્થાને અટકાવવા સહિતની કામગીરીમાં ૮.૯૯ કરોડ ઉપરાંતનો વિદેશી તેમજ ૩૯.૯૯ લાખ ઉપરાંતનો બિયરનો જથ્થો ઝડપી પાડવા સાથે બે વર્ષ દરમ્યાન ૭૩૪૯૨ લિટર દેશી દારૂ અંદાજિત કિંમત રૂા.૯.૪૫ લાખનો જથ્થો પણ ઝડપી પાડયો હતો. પોલીસે દેશી-વિદેશી દારૂ તેમજ વિવિધ પ્રકારના નશીલા પદાર્થોના વેપાર સંકળાયેલા કુલ ૧૧૩૦૩ વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું તેમજ ૯૦ આરોપીઓ પકડવાના બાકી હોવાનું ગૃહ વિભાગ દ્વારા જણાવાયું હતું.


Google NewsGoogle News