કઠાણામાં ખાડામાં સંતાડી રાખેલો 1.58 લાખનો વિદેશી દારૂ પકડાયો

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
કઠાણામાં ખાડામાં સંતાડી રાખેલો 1.58 લાખનો વિદેશી દારૂ પકડાયો 1 - image


- 2 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો 

- શેરિયાપુરામાં મંદિરની બાજુમાં ખાડો ખોદીને દારૂ સંતાડી રાખનાર શખ્સ ઝડપાયો

આણંદ : આણંદ એલસીબી પોલીસે શુક્રવારે બોરસદ તાલુકાના કઠાણા ગામના શેરિયાપુરા વિસ્તારમાં છાપો મારી એક મંદિરની બાજુમાં ટાઈલ્સ નીચે સંતાડી રાખેલો રૂા.૧.૫૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કઠાણાના એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કઠાણા ગામના શેરિયાપુરા વિસ્તારમાં રહેતા રતીલાલ રૂપસીંગ સોલંકીએ પોતાના ઘર નજીક આવેલા મંદિરની બાજુમાં ટાઈલ્સ નીચે ખાડો કરી તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડયો હોવાની બાતમી એલસીબીને મળી હતી. 

જેના આધારે એલસીબી ટીમે શેરિયાપુરા વિસ્તારમાં છાપો માર્યો હતો. જેમાં એક મંદિર આગળ ઉભેલો શખ્સ પોલીસને જોઈ નાસવા જતા એલસીબીએ તેને ઝડપી પાડી તેના નામઠામ અંગે પૂછતા તે રતિલાલ રૂપસીંગ સોલંકી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના ઘર નજીકના મંદિરની બાજુમાં મુકેલી ટાઈલ્સ હટાવીને જોતા ખાડામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

જેની ગણતરી કરતા કુલ-૧,૦૮૭ બોટલ તથા બીયરના ટીન થયા હતા. જેની અંદાજિત કિં. રૂા.૧,૫૮,૫૩૫ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ રતિલાલની વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ખંભાતના શક્કરપુર ખાતે રહેતા મહંમદઈમરાન અબ્દુલરશીદ મલેક પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. 

આ બનાવ અંગે વીરસદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી શક્કરપુરના મહંમદઈમરાન મલેકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News