આણંદમાં ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા ફેરિયા સમિતિની ભલામણ
- વેન્ડર્સ ઝોન મુદ્દે બેઠક યોજાઈ
- પાલિકાની સાધારણ સભામાં એજન્ડા મૂકાશે બોર્ડમાં નક્કી થયા મુજબ કામગીરી કરાશે : તંત્ર
આણંદ નગરપાલિકામાં વેન્ડર્સ ઝોનનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી પેચીદો બન્યો છે. શહેરની ટૂંકી ગલી, જૂના બસ સ્ટેન્ડ પાછળ સહિતની જગ્યાઓ પરથી પાલિકા દ્વારા લારી- પાથરણાવાળાના દબાણો દૂર કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો. જેને લઈ હજારો ફેરિયાઓના રોજગારીનો પ્રશ્ન ઉદભવ્યો છે. આ અંગે પાલિકા દ્વારા બે બેઠકોનું આયોજન કરાયું હતું. જે-તે સમયે તે બેઠકો અચાનક મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ બેઠકો યોજાયા બાદ પણ વેન્ડર્સ ઝોન અંગે નિર્ણય લેવાયો નથી. આ અંગે આણંદ નગરપાલિકામાં સમિતિના સભ્યો અને ચીફ ઓફિસર સાથે શનિવારે બેછક યોજાઈ હતી. જેમાં સમિતિના સાત સભ્યો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ફેરિયા સમિતિના પ્રતિનિધીએ બેઠકમાં રજૂઆત કરી હતી કે, શહેરમાં ટૂંકી ગલી ફેરિયા માટે આવકનું મુખ્ય સ્થળ છે, જે દબાણો દૂર કરવાના કારણે ફેરિયાઓને રોજગારીની તકલીફો થઈ રહી છે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વર્ષ ૨૦૧૭માં જૂના બસસ્ટેન્ડ પાછળ જે જગ્યા ફાળવી હતી તે જગ્યા ફાળવવાની સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. તેમજ આણંદ પાલિકા દ્વારા અગાઉ શહેરના વિવિધ ૨૩ વિસ્તારોમાં વેન્ડર ઝોન બનાવવા માટે આયોજન કરાયું હતું. આ અંગે સર્વે કરાયો હતો, જેનો રિપોર્ટ હજૂ સુધી આવ્યો ન હોવાથી નવી જગ્યાની ફાળવણીનું કામ અટકી પડયું છે. જેથી હાલમાં ટૂંકી ગલીના ફેરિયાઓ માટે બસ સ્ટેન્ડ પાછળની જૂની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ભલામણ ચીફ ઓફિસરને કરી હતી. આ અંગે ચીફ ઓફિસર એસ. કે. ગરવાલે જણાવ્યું હતું કે, ફેરિયા સમિતિ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સમિતિ દ્વારા ફેરિયાઓને જગ્યા ફાળવવાની ચર્ચાઓ અને ભલામણ કરાઈ હતી. આ સંદર્ભે પાલિકાની આગામી સાધારણ સભામાં એજન્ડા મુકવામાં આવશે અને બોર્ડમાં નક્કી થશે તે મુજબ કામગીરી કરવામાં આવશે, હાલ પાલિકા દ્વારા ફેરિયાઓને કોઈ ચોક્કસ જગ્યા ફાળવવામાં આવી નથી.