બોરસદના રૂંદેલ નજીક કારની ટક્કરે એક્ટીવા પર સવાર પિતા-પુત્રીના મોત
- રોંગ સાઇડમાં આવતી કારે જીવ લીધો
- ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજાઓ થઇ
બોરસદ તાલુકાના ઝારોલા ગામે રહેતા કિરણભાઈ ભીખાભાઈ જાદવ ગત રોજ દાવોલ ગામે એક સામાજિક વિધિમાં જવા માટે પત્ની નિશાબેન તથા બે પુત્રીઓ સાથે એક્ટીવા ઉપર સવાર થઈ નીકળ્યા હતા. સવારના સુમારે તેઓ બોરસદ તાલુકાના રૂંદેલ ગામની શરણાકુઈ પ્રાથમિક શાળા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડે પુરઝડપે આવી ચઢેલ એક સુરત પાસિંગની કારે એક્ટીવાને જોરદાર ટક્કર મારતા એક્ટીવા ઉપર સવાર ચારેય રોડ ઉપર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં પાંચ વર્ષીય પુત્રીને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કિરણભાઈ તથા નિશાબેન તેમજ અન્ય પુત્રીને ઈજાઓ પહોંચતા ૧૦૮ મોબાઈલ વાન મારફતે તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ રસ્તામાં કિરણભાઈનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે વિજયભાઈ પોપટભાઈ ગોહેલની ફરિયાદના આધારે કારચાલક ગુલામનબી ઈસ્માઈલભાઈ વ્હોરા (રહે.પીપળી, બોરસદ) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.