Get The App

બોરસદની ફાઈનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરની 1.41 લાખની ઉચાપત

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
બોરસદની ફાઈનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરની 1.41 લાખની ઉચાપત 1 - image


- ઈસરામાના શખ્સ સામે ગુનો નોંધાયો 

- 48 મહિલા લોનધારકો પાસેથી રિકવર કરેલા નાણાં કંપનીમાં જમા ન કર્યા 

આણંદ : બોરસદની ખાનગી ફાઈનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરે ૪૮ મહિલા લોન ધારકો પાસેથી કુલ રૂ.૧.૪૧ લાખ રિકવર કરી કંપનીમાં નાણાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ગોધરામાં રહેતા અને મુથુટ માઈક્રોફીન લિમીટેડ નામની ફાઈનાન્સ કંપનીના રીજનલ મેનેજર તૈયબખાન તુરાફખાન રમજાનખાન શેખ  ગત તા.૧ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ગોધરાની ઓફિસે હતા. ત્યારે સીસ્ટમમાં ચેક કરતી વખતે બોરસદમાં આવેલી કંપનીની શાખામાંથી ૩૯ મહિલાઓને તા.૧ જાન્યુઆરી ૨૦૨૩થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાન રૂા.૧૬,૨૬,૦૦૦ની લોન આપવામાં આવી હતી અને તે પૈકી રૂા.૯૦,૧૯૩ રીકવર કરી બ્રાન્ચમાં જમા નહી કરાવેલા હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેથી તેમણે બોરસદ બ્રાન્ચમાં ઈ-મેલ કરી મેનેજર અશ્વિનભાઈ સાથે વાત કરતા તેમણે તપાસ કરી હતી. જેમાં બોરસદ બ્રાન્ચમાં ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતા અને પેટલાદના ઈસરામા ગામે સાંઈ પાર્કમાં રહેતા અક્ષયભાઈ સોમાભાઈ ભોઈએ લોનની રકમ લોનધારકો પાસેથી રીકવર કરેલી છે અને નાણાં શાખામાં જમા કરાવેલી નથી તેમ જણાવ્યું હતું. જેથી બ્રાન્ચ મેનેજર અશ્વિનભાઈ અને એરિયા મેનેજર મૌલિકભાઈ અક્ષયના ઘરે પહોંચતા શખ્સ હાજર મળી આવ્યો નહતો. તેમજ તેના પિતાએ, મારા દિકરાએ જે નાણાં વાપરી નાખ્યા છે તે અમે જમા કરાવી દઈશું, તેમ જણાવ્યું હતું. જોકે, અક્ષયે નાણાં જમા કરાવ્યા નહતા. દરમિયાન તા.૨૮મી ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ઓડીટ રીપોર્ટ આવતા અક્ષયે અન્ય નવ મહિલા લોન ધારકો પાસેથી રૂા.૫૧,૫૭૦ રીકવર કરી તે નાણાં પણ શાખામાં જમા કરાવ્યા ન હોવાનું ખુલ્યું હતું. જેથી રીજનલ મેનેજર તૈયબખાન શેખે બોરસદ શહેર પોલીસ મથકે અક્ષય ભોઈ વિરૂદ્ધ ૪૮ મહિલા લોનધારકોના રૂ. ૧,૪૧,૭૬૩ની કાયમી ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News