For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આણંદ બેઠકના 1,773 મતદાન મથકો પર સોમવારે ઇવીએમ, વીવીપેટ પહોંચાડાયા

Updated: May 7th, 2024

આણંદ બેઠકના 1,773 મતદાન મથકો પર સોમવારે ઇવીએમ, વીવીપેટ પહોંચાડાયા

- 7 રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પર દિવસભર કામગીરી ચાલી

- 467 વાહનો મારફતે ચૂંટણીલક્ષી સામગ્રીઓ મતદાન મથકે પહોંચાડવામાં આવી

આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં મે મહિનાની તા.૭ના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત તા.૬ મે ને સોમવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યાથી આણંદ જિલ્લાના ૧,૭૭૩ મતદાન મથકો માટે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઈવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

આણંદ જિલ્લાના સાત મતદાર વિભાગો માટેના રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ જે-તે વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો ખાતે પહોંચાડવામાં આવી હતી. 

જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગ માટે એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ અને એસ.કે.વાઘેલા હાઈસ્કૂલ-ખંભાત, ૧૦૯-બોરસદ મતદાર વિભાગ માટે જે.ડી.પટેલ હાઈસ્કુલ/જે.ડી.આર.પટેલ ગર્લ સ્કૂલ-બોરસદ, ૧૧૦-આંકલાવ મતદાર વિભાગ માટે આંકલાવ હાઈસ્કૂલ-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ મતદાર વિભાગ માટે ડી.એમ.પટેલ આર્ટ્સ કોલેજ અને એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ-ઓડ, ૧૧૨-આણંદ મતદાર વિભાગ માટે ડી.એન.હાઈસ્કૂલ-આણંદ, ૧૧૩-પેટલાદ મતદાર વિભાગ માટે ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ લક્ષ્મીજી મંદિર પાસે-પેટલાદ અને ૧૧૪-સોજિત્રા મતદાર વિભાગ માટે એમ.એમ.હાઈસ્કૂલ-સોજિત્રાને રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નક્કી કરાયા છે.

આ સેન્ટરો ખાતેથી ઈવીએમ અને વીવીપેટ મશીન જે-તે મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવ્યા હતા અને મતદાન પૂર્ણ થયા બાદ પરત આ સેન્ટરો ખાતે સ્વીકારવામાં આવશે.

182 ટ્રાન્સપોર્ટ રૂટ માટે 467 વાહનો ફાળવાયા 

આણંદ જિલ્લાના ૧,૭૭૩ બુથ ઉપર યોજાનાર મતદાન પ્રક્રિયા માટે ૧૮૨ ટ્રાન્સપોર્ટ રૂટ નક્કી કરાયા છે. જે માટે કુલ ૪૬૭ વાહનોની ફાળવણી કરાઈ છે. આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ ૧૪૯ એસટી બસ, ૩૪ મીની બસ, ૨૬૮ કાર/જીપ, ૧૬ ટ્રક અને ટેમ્પો ચૂંટણી કામગીરીમાં જોડાયા છે.

Gujarat