ઇવીએમ મશીનો પર જીપીએસ સિસ્ટમથી વોચ રખાશે, જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ બનશે
- ગોલમાલની આશંકાઓ દુર કરવા નિર્ણય લેવાયો
- ઇવીએમ મશીનની હેરાફેરીમાં વપરાતા વાહનો જીપીએસ સિસ્ટમથી સજ્જ રખાશે
આણંદ: વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર આગામી પાંચમી ડીસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીમાં મતદાન માટે છેલ્લા પાંચેક વર્ષથી ઈવીએમ તથા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સૌપ્રથમ વાર આ ચૂંટણીમાં ઈવીએમ મશીન પર નજર રાખવા માટે જીપીએસ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવનાર છે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર 17.64 લાખ મતદારો માટે 1,800 જેટલા મતદાન મથકો પર ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન મુકવામાં આવનાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય પક્ષો મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગરૂમ સુધી પહોંચે તે પહેલા બદલાઈ જવાના આક્ષેપો કરાયા હતા. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ વખતની ચૂંટણીમાં ઈવીએમ તથા વીવીપેટ મશીન બુથ મથકો સુધી પહોંચાડવાથી લઈને મતદાન પુરુ થયેથી સ્ટ્રોંગ રૂમમાં પરત લાવવા ઉપયોગમાં લેવાતા વાહનોમાં જીપીએસ સીસ્ટમનો ઉપયોગ થનાર છે. ઈવીએમ તથા વીવીપેટ મશીનોનું પરિવહન કરતા વાહનો પર બાજ નજર રાખવા જિલ્લા કક્ષાએ જીપીએસ સીસ્ટમ કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવનાર હોવાનું સંબંધિત ચૂંટણી શાખાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.