કેશવપુરામાંથી આંકલાવ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિદેશી દારૂ સાથે ઝડપાયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
કેશવપુરામાંથી આંકલાવ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિદેશી દારૂ સાથે ઝડપાયા 1 - image


- 95 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે 

- બાઈક પર ભરાવેલી થેલીમાંથી દારૂનો જથ્થો મળ્યો : 3 સામે ગુનો નોંધ્યો 

આણંદ : આંકલાવ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને મંગળવારે રાત્રે વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે આંકલાવ પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂા.૯૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ 3 શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંકલાવની કેશવપુરા સીમમાં રહેતા મહેન્દ્રભાઈ રાવજીભાઈ પરમાર તથા તેઓનો ભાઈ વિશાલ વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરી રહ્યા હોવાની બાતમી આંકલાવ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે છાપો મારતા મહેન્દ્રભાઈ સ્થળ ઉપર મળી આવ્યો હતો. 

પોલીસે તેઓના ઘરની બહાર પાર્ક કરેલી મોટરસાયકલ ઉપર ભરાવેલા થેલાની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની ૧૦૭ બોટલ તેમજ બિયરના ૯૬ ટીન મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂા.૬૩,૧૦૦ જેટલી થવા જાય છે. પોલીસે મહેન્દ્રભાઈની અંગજડતીમાંથી મળેલી રોકડ રૂા.૬૦૦, ત્રણ મોબાઈલ, મોટરસાયકલ અને વિદેશી દારૂ મળી કુલ રૂા.૯૫,૭૦૦નો મુદ્દામાલ કબજે લઈ વધુ પુછપરછ હાથ ધરી હતી. જેમાં ઉક્ત વિદેશી દારૂનો જથ્થો રૂપારેલ ગામે રહેતો દિપકભાઈ બાબુભાઈ તળપદા તેને અને તેના ભાઈ વિશાલ પરમારને વેચાણ કરવા માટે આપી ગયો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News