Get The App

રામનગર નજીક ટ્રક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, ક્લીનરને ગંભીર ઈજા

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
રામનગર નજીક ટ્રક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, ક્લીનરને ગંભીર ઈજા 1 - image


- નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત 

- સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ

આણંદ : નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના રામનગર નજીક ગુરુવારે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ટ્રકના કેબીનનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આણંદ તરફથી વડોદરા તરફ ગુરુવારે રાત્રે એક ટાઈલ્સ ભરેલી ટ્રક પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. રાત્રીના લગભગ ૧૦ વાગ્યાની આસપાસ આ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને એક ઘટાદાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

જેમાં ટ્રકના કેબીનના ભાગનો લોચો વળી ગયો હતો અને ટ્રક ચાલક તથા ક્લીનર કેબીનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન અકસ્માત અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેબીનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ટ્રકના કેબીનમાં ફસાયેલા ચાલકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ ક્લીનરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તુરત જ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.


Google NewsGoogle News