આણંદ-વિદ્યાનગર રોડ પર નમી ગયેલા વૃક્ષો જોખમરૂપ બન્યા
- કલેક્ટરની સૂચના છતાં નગર પાલિકા મૂકપ્રેક્ષક
- ગત વર્ષે શહેરમાં વૃક્ષો ધરાશાયી થતાં જાનહાનિનો બનાવ પણ બન્યો હતો
આણંદ જિલ્લા કલેક્ટરે પ્રિ-મોન્સૂનની બેઠકમાં વિવિધ સ્થળોએ ભયજનક ઈમારતો, હોર્ડિંગ્સ, વૃક્ષો તથા ડાળીઓ ઉતારી લેવા પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હતી. જો કે ચોમાસાએ દસ્તક દીધી હોવા છતાં પણ આણંદ-વિદ્યાનગર રોડ ઉપર ઠેર ઠેર ભયજનક વૃક્ષો જોવા મળી રહ્યાં છે. આણંદ-વિદ્યાનગર રોડ ઉપર ૫૦થી વધુ વૃક્ષો આવેલા છે. જે પૈકી કેટલાક વૃક્ષો જોખમી હોવાનું જોવા મળી રહ્યું છે.
કેટલાક વૃક્ષોની ભારે ડાળીઓ રોડ ઉપર નમેલી જોવા મળી રહી છે. થોડા દિવસ પૂર્વે તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી ટ્રીમીંગની કામગીરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અનેક વૃક્ષો મૂળમાંથી જ નમી ગયેલા નજરે પડી રહ્યાં છે. ત્યારે કોઈ મોટી હોનારત સર્જાયા બાદ તંત્ર જાગશે તેવો રોષ શહેરીજનોએ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસા દરમિયાન આણંદ શહેરના સો ફૂટ રોડ ઉપર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા જાનહાનિ થઈ હતી. સાથે સાથે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી મોતીકાકાની ચાલી નજીક પણ એક મોટા વૃક્ષની ડાળ તૂટીને ટુવ્હીલર ઉપર પડતા એક મહિલા સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં હતાં.
ચાલુ વર્ષે પણ ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ કેટલાક વૃક્ષોની ડાળીઓ તૂટીને માર્ગ ઉપર ધરાશાયી થઈ હોવાનું જોવા મળ્યું હતું. જોકે, મોડી રાત્રીના સુમારે વરસેલા વરસાદના કારણે કોઈ નુકશાન થયું ન હતું. પરંતુ તેજ પવનો સાથે દિવસ દરમિયાન ભારે વરસાદ થાય તો આ માર્ગ ઉપર જાનહાનિ થવાની શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.