ચરોતર પંથકમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી
- મંદિરોને આકર્ષક રોશનીથી સજાવટ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
- મોડી રાત સુધી આકર્ષક રોશનીના ઝળહળાટ વચ્ચે જિલ્લાવાસીઓએ આતશબાજી કરી દિપાવલી પર્વ મનાવ્યુ
આણંદ : સમગ્ર આણંદ જિલ્લામાં પર્વોની શ્રેણી દિપાવલીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂવારના રોજ મોડી રાત સુધી આકર્ષક રોશનીના ઝળહળાટ વચ્ચે જિલ્લાવાસીઓએ ફટાકડા ફોડી આતશબાજી કરી દિપાવલી પર્વ મનાવ્યું હતું. દિપાવલીના શુભ દિવસે લોકોએ શારદા પૂજન, ચોપડા પૂજન, શ્રી યંત્ર-કુબેરયંત્રની પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ઈષ્ટદેવને આવનાર વર્ષ શુભદાયી નીવડે તેવી પ્રાર્થના કરી હતી. પર્વ નિમિત્તે જિલ્લાભરના વિવિધ મંદિરોને આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યા છે.
લંકા ઉપર વિજય મેળવ્યા બાદ ભગવાન શ્રીરામ અયોધ્યા ખાતે પરત ફર્યા ત્યારે અયોધ્યા વાસીઓએ દીપ પ્રગટાવી ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. ત્યારથી ભારતભરમા દિપાવલી પર્વને પ્રકાશના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગુરૂવારના રોજ જિલ્લાવાસીઓએ દિવાળી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. જિલ્લાના મોટાભાગના બજારો ગત શનિવારના રોજથી બુધવાર મોડી રાત સુધી ગ્રાહકોની ચહલ-પહલથી ધમધમી ઉઠયા હતા. પર્વ નિમિત્તે જિલ્લાના વિવિધ મંદિરોને આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યા હતા. ગુરૂવારના રોજ મોડી રાત સુધી અબાલ-વૃધ્ધોએ દારૂખાનાની આતશબાજી કરીને પર્વની ઉજવણી ધામધુમપૂર્વક કરી હતી. વહેલી સવારથી જ જિલ્લા વિવિધ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડયા હતા. સાથે સાથે એકબીજાને દિપાવલીની શુભેચ્છા પાઠવીને નવા વર્ષમાં ઘરે આવવા માટે આમંત્રણ પણ પાઠવ્યા હતા.
નવુ વર્ષ એટલે શુભ સંકલ્પનો દિવસ. શુક્રવારના રોજ જિલ્લાવાસીઓ નવા વર્ષને ઉત્સાહભેર વધાવશે. નવા વર્ષના દિવસે આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ મંદિરોમાં અન્નકુટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર હોઈ જે તે મંદિરમાં ઉત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો હતો. આઈટીયુગમાં ચોપડાની પળોજણ ન થાય તે હેતુથી વેપારીઓ દ્વારા લેપટોપથી માંડીને ડીસ્ક તથા પેનડ્રાઈવની ઘરે અથવા મંદિરોમાં પૂજા કરાઈ હતી. જો કે કેટલાક વેપારીઓ દ્વારા આજે પણ હિસાબ-કિતાબ માટે ચોપડાને મહત્વ અપાય છે ત્યારે આવા વેપારીઓએ આજે ચોપડા પૂજન કર્યું હતું.
છેલ્લી ઘડીએ વેપારીઓએ સસ્તામાં માલ વેચ્યો
કેટલાક નોકરીયાત વર્ગને દિવાળીના દિવસે જ બોનસ મળતા તેવા લોકોએ પોતાના બજેટ અનુસાર અંતિમ તબક્કાની ખરીદી કરી હતી. સીઝનેબલ ધંધો કરતા વેપારીઓએ માલ આખુ વર્ષ સાચવવો ન પડે તે માટે ઓછા ભાવે પણ વેચાણ શરૂ કરી દીધું હતું. જેને લઈને બજારમાં મોડી રાત સુધી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. આણંદ જિલ્લામાં દિપાવલીના પર્વને અનુલક્ષી વેપારી વર્ગ દ્વારા ધનતેરસના દિને શુભ મુહૂર્તમાં ખરીદવામાં આવેલ ચોપડાનું દિવાળીના દિને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુભમહુર્તમાં પૂજન કર્યું હતું.