જિલ્લાવાસીઓ ફાફડા અને જલેબીની જયાફત માણશે
- આણંદમાં રાવણદહન અને શસ્ત્ર પૂજનની સાદગીપૂર્ણ ઉજવણી થશે
આણંદ : આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય એટલે વિજ્યાદશમી. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં શુક્રવારના રોજ વિજ્યાદશમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પર્વ નિમિત્તે જિલ્લામાં ઠેર-ઠેર સાદગીપૂર્ણ રીતે રાવણદહન અને શસ્ત્રપૂજન તેમજ ભવાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. દશેરા પર્વને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. સાથે સાથે પર્વ દરમ્યાન ફાફડા-જલેબી આરોગવાનું અનેરૂ મહત્વ હોવાથી જિલ્લાવાસીઓ ફાફડા-જલેબીની જ્યાફત માણશે.
આસો માસના શુક્લ પક્ષ એકમથી નોમ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના, આરાધનાના દિવસો બાદ દસમાં દિવસે વિજ્યાદશમીનું પર્વ ઉજવવામાં આવે છે. આત્મશુધ્ધિ અને આસુરી તત્વો ઉપર આત્મવિજયનું પ્રતિક એટલે દશેરા. દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ. ક્ષત્રિયો વિજ્યાદશમીના શુભ દિને શસ્ત્રપૂજન કરીને ભગવાન રામનું પૂજન કરશે. આ દિવસે વણજોયેલા શુભમહુર્ત હોવાથી મોટી સંખ્યામાં લોકો શુભકાર્યો જેવા કે નવા ઘરમાં પ્રવેશ, દુકાન-ઓફિસનું ઉદ્ઘાટન, હવન કે અન્ય નવી વસ્તુઓની ખરીદી કરશે. શુક્રવારે દશેરા નિમિત્તે જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનોની ખરીદી કરતા હોવાથી વાહનોની લે-વેચ કરતા શોરૂમ પર ભીડ જોવા મળશે.
આણંદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથક પેટલાદ, બોરસદ, ખંભાત સહિત જિલ્લાભરમાં દશેરા પર્વ નિમિત્તે સાદગીપૂર્ણ રીતે રાવણદહન અને શસ્ત્રપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અરોરા પંજાબી સમાજ સેવા ટ્રસ્ટ આણંદ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી વિજ્યાદશમી તહેવાર નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે અને શહેરની વ્યાયામશાળા ખાતે વિશાળ કદનો રાવણ બનાવી દહન કાર્યક્રમ યોજાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો અંગે નિયંત્રણો મુકવામાં આવ્યા હોઈ વ્યાયામશાળાના બદલે મંગળપુરા કોમ્પ્યુનીટી હોલ ખાતે મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં માત્ર ૧૫ ફૂટના રાવણના પુતળાનો દહન કાર્યક્રમ યોજાશે.