Get The App

આણંદ જિ.પં.ની માલિકીનુ ડ્રેનેજ મશીન ગ્રા.પં.ને ફાળવી દેતા વિવાદ

Updated: Feb 11th, 2022


Google NewsGoogle News
આણંદ જિ.પં.ની માલિકીનુ ડ્રેનેજ મશીન ગ્રા.પં.ને ફાળવી દેતા વિવાદ 1 - image


- પ્રમુખના ઇશારે મશીન ફાળવવામાં આવતા શાસક પક્ષમાં નારાજગી

- જિલ્લાની ગ્રામ પંચાયતની ગટર-ખાળકુવા સફાઇનું 25 લાખનુ મશીન નાર ગામને સોંપાયુ 

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લા પંચાયતને ગ્રામીણ કક્ષાની ગટર અને ખાળકુવાની સફાઇ માટે ૨૫ લાખની કિંમતનુ ડ્રેનેજ મશીન દોઢ વર્ષ અગાઉ ફાળવવામા આવ્યુ હતું. જે મશીન દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગટર ઉભરાય કે ખાળકુવાની સફાઇ થઇ શકે તે માટે આપવામાં આવ્યુ હતું. પરંતુ વર્તમાન જિલ્લા પંચાયતના સત્તાધીશોએ મશીન જિલ્લાની એકમાત્ર નાર ગ્રામ પંચાયતને ફાળવી દેતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.

જિલ્લાની ૩૬૫ ગ્રામ પંચાયતોમાં સફાઇ અર્થે ડ્રેનેજ મશીન સરકારના સ્વચ્છતા નીતિ અભિયાન હેઠળ ફાળવવામા આવ્યુ હતું. અંતરિયાળ ચોક્કસ ગ્રામ પંચાયતને નિભાવણી માટે સોંપવામા આવતા મામલો ગરમાયો છે. જેમાં ખુદ જિલ્લા પંચાયતના શાસક પક્ષમાં જ નારાજગી પ્રગટી છે. પંચાયત હસ્તકના મશીનને જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના ઇશારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના છેવાડાના નાર ગ્રામ પંચાયતને ફાળવવા માટે પંચાયતના કાર્યપાલક ઇજનેરને સુચન કરતા મશીન નાર ગ્રામ પંચાયતને સોંપવામા આવ્યુ છે. હકિક્તમાં મશીનની માલિકી જિલ્લા પંચાયતની હોવા છતાં માત્ર રાજકીય ઇશારે મશીન ગ્રામ પંચાયતને ફાળવી દેતા આ મુદ્દે આંતરિક ખેંચતાણ શરૂ થઇ છે. જેમાં કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ મુદ્દે વિરોધપક્ષના નેતા નટવરસિંહ મહીડાએ નવયુક્ત જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી નિર્ણય ફેરબદલ કરવા રજુઆત કરી છે. મશીન લૉડ કરવા માટે ૬૦ હોર્સ પાવરનુ ટ્રેક્ટર હોવુ જરૂરી છે. જે નાર ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ નથી. તો પછી આ મશીન કેવી રીતે ઓપરેટ કરાશે. તેનો પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થનાર છે.

ડીઆરડીએએ મશીન આપ્યુ હોવાથી પરત માંગી લેવાયુ : જિ.પ. પ્રમુખ

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારે જણાવ્યુ કે ડીઆરડીએએ અમારી જાણ બહાર નાર ગ્રામ પંચાયતને મશીન આપ્યુ છે. કામ પૂર્ણ થયા બાદ ભાડુ ચુકવી મશીન પરત કરવા ગ્રામ પંચાયતને આદેશ કરાયો છે. જિલ્લાના તમામ ગ્રામ વિસ્તારોમાં ક્યારેક ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાય તો દરેક ગામને ભાડા પટ્ટે અમુક દિવસો માટે મશીન આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. મશીન ઓપરેટરની માંગણી કરી હતી. પરંતુ પૂર્ણ ન થતાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ઓપરેટરની વ્યવસ્થા કરશે.

ઇરાદાપૂર્વક મશીન નાર પંચાયતને હસ્તક કરાયુ છે : વિરોધપક્ષના નેતા

જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા નટવરસિંહ મહીડાએ જણાવ્યુ કે ઇરાદાપૂર્વક મશીન નારને ફાળવી દેવાયુ હોવાનુ લાગી રહ્યુ છે. જિલ્લાની ૩૬૫ ગ્રામ પંચાયતોમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવેે તો તેણે નાર ગ્રામ પંચાયત પાસે ભાડુ ઠરાવીને મશીન લેવુ પડે તેવી સ્થિતિ છે. ગ્રામ પંચાયત અને ખુદ જિલ્લા પંચાયતમાં પણ ડ્રેનેજ સફાઇ માટે મશીનની ઉપયોગિતા હોવા છતાં જિલ્લા પંચાયત મશીન પાછળ ૧-૨ લાખ ખર્ચ કરીને મેનેજ કરી શકતી નથી. 


Google NewsGoogle News