ઠાસરાના 8 ગામોના ડાઘુઓને અંતિમક્રિયા કરવા જવા માટે રસ્તાની પડતી હાલાકી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ઠાસરાના 8 ગામોના ડાઘુઓને અંતિમક્રિયા કરવા જવા માટે રસ્તાની પડતી હાલાકી 1 - image


- વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા દુર્લક્ષ સેવાતા રોષ

- રસ્તો સાવ બિસ્માર, વાહનો પણ જઇ શકતા નથી, સત્વરે રોડ બનાવવા માંગણી

આણંદ : ઠાસરા તાલુકાના આઠેક જેટલા ગામના ગ્રામજનોને અંતિમક્રિયા માટે મહિસાગરના કોતરોમાંથી પસાર થઈને જેસાપુરા જવું પડે છે. આ રસ્તા પર ઠેર ઠેર ભૂવા પડતા તેમજ રસ્તો ઢાળવાળો બની જતા મરણપ્રંસગે અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઠાસરા તાલુકા સદસ્ય અનુપસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ વર્ષથી જેસાપુરા, મીઠાપુરા, રતનજી-ભગવાનજીના મુવાડા, જોરાપુરા, કોટલીંડોરા, ટોળકીયા, ગોલવાડાના ગ્રામ્ય વિસ્તારમાં આશરે ૧૫૦૦૦થી વધુ રહીશો વસવાટ કરી રહ્યાં છે. ગ્રામજનોને મરણ પ્રસંગ દરમ્યાન અંતિમક્રિયા માટે મહિસાગરના કોતરોમાંથી પસાર થઈ જેસાપુરા જવું પડે છે. 

આ રસ્તા ઉપર ઠેરઠેર મસમોટા ખાડાનું સર્જન થતા તેમજ ઢાળવાળો રસ્તો બની જતા ઉબડખાબડ રસ્તાને પગલે અત્રેથી અંતિમક્રિયા માટે ગ્રામજનોને ટ્રેક્ટર સહિત ખાનગી વાહનોમાં સવાર થઈ પસાર થવામાં ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી ચોમાસા દરમ્યાન આ રસ્તેથી પસાર થવું દુષ્કર બની જાય છે.

આ સમગ્ર બાબત અંગે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અનુપસિંહ ચાવડા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર તમામ સરકારી કચેરીઓમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, માર્ગ મકાન વિભાગ, પંચાયત હસ્તક કચેરી, તાલુકા પંચાયત કચેરી અને નાની સિંચાઈ વિભાગની કચેરીમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 

જેને કારણે ઠાસરા તાલુકાની ૮ ગામના પ્રજાજનોને સ્વજનોની અંતિમક્રિયાના પ્રસંગે સ્મશાનમાં લઈ જવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આવનારા સમયમાં સમગ્ર બાબતે જો કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આ આઠેઆઠ ગામના રહિશો આંદોલનના માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે.


Google NewsGoogle News