પેટલાદ તાલુકામાં ગ્રામ્ય બસ રૂટો ચાલુ કરવા ગામલોકોની માગણી
- કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી
- લોકોને હાલ ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડે છે તંત્ર દ્વારા બંધ રૂટોને ફરી ચાલુ કરવામાં ઉદાસીન વલણ
છેલ્લા ૧૦-૧૫ વર્ષથી સવાર-સાંજ ચાલતા પેટલાદ-ચકલાસી વાયા પાળજ બસના બે લોકલ રીટર્ન રૂટો કોરોનાને કારણે બંધ કરાયા બાદ પુનઃ ચાલુ કરવામાં આવ્યા નથી. જેને લઈ આ રૂટ ઉપર મુસાફરોને હાલ ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડી રહી છે. બીજી તરફ અન્ય કેટલાક લાંબા રૂટો ઉપર આવક ઓછી હોવા છતાં તંત્ર દ્વારા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાનો રોષ લોકોએ ઠાલવ્યો છે. એસ.ટી. તંત્રના કેટલાક બેજવાબદાર અધિકારીઓ દ્વારા પેટલાદ ગ્રામ્ય વિસ્તારના બંધ પડેલ રૂટોને પુનઃ ચાલુ કરવામાં ઉદાસીન વલણ દાખવતા હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. કાસોર, ચાંગા, વલેટવા ચોકડી તથા નડિયાદના ગ્રામીણ રૂટો ઉપર યોગ્ય એસ.ટી. ન દોડાવવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ચાંગા સ્થિત ચારુસેટ યુનિ.ની વિવિધ કોલેજોમાં આ રૂટ પરના ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે અવર-જવર કરતા હોય છે. જો વલેટવા ચોકડીથી ચાંગા, કાસોર, પીપળાવ, પાળજ, ઈસરામા, પેટલાદ તથા ખંભાતના રૂટો પર બસ દોડાવવામાં આવે તો એસ.ટી. તંત્રને આવક થવા સાથે સાથે વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળી શકે છે. પેટલાદ-ચકલાસી વાયા પાળજના બંધ કરાયેલ રૂટો પુનઃ ચાલુ કરવા માટે એસ.ટી. તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ લક્ષ આપવામાં આવતું નથી. એસ.ટી. તંત્રને આવક થાય અને મુસાફરોને યોગ્ય એસ.ટી. સુવિધાનો લાભ મળી રહે તે હેતુથી ંતત્ર દ્વારા પુનઃ આ રૂટ ઉપર દોડતી એસ.ટી. બસો પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.